'માનવ ઇતિહાસની દિશા બદલી નાખી...' વડાપ્રધાન મોદીની રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gandhi Jayanti: મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે (બીજી ઓક્ટોબર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત તેમણે વિજય ઘાટની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'મહાત્મા ગાંધીના આદર્શોએ માનવ ઈતિહાસની દિશા બદલી નાખી હતી.'
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'ગાંધી જયંતિ એ આપણા પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમના આદર્શોએ માનવ ઇતિહાસની દિશા બદલી નાખ્યી. તેમણે બતાવ્યું કે હિંમત અને સરળતા કેવી રીતે મહાન પરિવર્તન લાવી શકે છે. તેઓ સેવા અને કરુણાને લોકોને સશક્ત બનાવવાનું સૌથી મોટું સાધન માનતા હતા. વિકસિત ભારત બનાવવાના અમારા કાર્યમાં અમે તેમના માર્ગને અનુસરીશું.'
પીએમ મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ બહાદુર શાસ્ત્રીને પણ યાદ કર્યા, જેમની જન્મજયંતિ પણ બીજી ઓક્ટોબરે આવે છે. તેમણે 'X' લખ્યું, 'શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી એક અસાધારણ રાજનેતા હતા જેમની પ્રામાણિકતા, નમ્રતા અને નિશ્ચયએ પડકારજનક સમયમાં પણ ભારતને મજબૂત બનાવ્યું. લાલ બહાદુર શાસ્ત્રી અનુકરણીય નેતૃત્વ, શક્તિ અને નિર્ણાયક કાર્યવાહીના પ્રતીક હતા. જય જવાન જય કિસાનના તેમના સૂત્રથી આપણા લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થઈ. તેઓ એક મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવાના આપણા પ્રયાસોમાં આપણને પ્રેરણા આપતા રહે છે.'
બીજી તરફ આજે વિજયાદશમીનો શુભ તહેવાર પણ છે. જેને લઈને વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે 'X' પર લખ્યું, 'વિજયાદશમી બુરાઈ અને અસત્ય પર સત્ય અને ભલાઈના વિજયનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે આ શુભ પ્રસંગે, દરેકને હિંમત, શાણપણ અને ભક્તિના માર્ગ પર આગળ વધવાની પ્રેરણા મળે. દેશભરના મારા પરિવારના સભ્યોને વિજયાદશમીની શુભકામનાઓ.'








