PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા
PM Modi speaks to Italian PM Giorgia Meloni: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની સાથે ફોન પર વાત કરી હતી. જેમાં બંને નેતાઓએ ભારત-ઇટલી રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટેની પ્રતિબદ્ધતા દોહરાવી. સાથે જ તેમણે યુક્રેન યુદ્ધનું તાત્કાલિક સમાધાન શોધવામાં સહયોગ વધારવા પર પણ સહમતિ દર્શાવી.
વડાપ્રધાન મોદીએ જોર્જિયા મેલોની સાથે વાતચીત અંગે X પર માહિતી આપી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મેલોની સાથે તેમની ખુબ સારી વાતચીત થઈ. અમે ભારત-ઇટલી રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી અને યુક્રેનમાં સંઘર્ષને જલ્દીથી જલ્દી સમાપ્ત કરવામાં એકબીજાની રૂચિ વ્યક્ત કરી.
વડાપ્રધાન મોદીએ લખ્યું કે, પારસ્પરિક રીતે લાભકારી ભારત-યૂરોપિયન યુનિયન વેપાર કરારને અંતિમ રૂપ આપવા અને IMEEEC પહેલના માધ્યમથી સંપર્ક વધારવામાં ઇટલીના સક્રિય સહયોગ માટે વડાપ્રધાન મેલોનીનો આભાર વ્યક્ત કર્યો.
અત્રે ઉલ્લેખનીય છે કે, મંગળવારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન (EU)થી ભારત અને ચીન પર 100 ટકા સુધી ટેરિફ લગાવવાનો આગ્રહ કર્યો, જેથી રશિયા પર યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે આર્થિક દબાણ વધારી શકાય. આ માગ 9 સપ્ટેમ્બર 2025ના રોજ વોશિંગ્ટનમાં વરિષ્ઠ અમેરિકન અને યુરોપિયન અધિકારીઓની એક પ્રેસ કોન્ફરન્સ કોલ દરમિયાન ઉઠાવાઈ, જેમાં રશિયાની યુદ્ધ ફંડિગને રોકવાના ઉપાયો પર ચર્ચા થઈ. ટ્રમ્પનું કહેવું છે કે, ભારત અને ચીન રશિયન ઓઇલ અને ગેસના મુખ્ય ગ્રાહક છે, જેનાથી રશિયાને આર્થિક સમર્થન મળે છે અને તેઓ યુક્રેનમાં યુદ્ધ શરૂ રાખે છે.
આ સંદર્ભમાં ઇટલીના વડાપ્રધાન જોર્જિયા મેલોની અને ભારતના વડાપ્રધાન મોદી વચ્ચે હાલની વાતચીતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો, વેપાર અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી, જેમાં યુક્રેન સંકટ અને વૈશ્વિક આર્થિક સ્થિરતા સામેલ થઈ શકે છે. આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે ભારત-અમેરિકાના સંબંધ તણાવપૂર્ણ છે. ટ્રમ્પે ભારત પર રશિયન ઓઇલ ખરીદી માટે પહેલા 25 ટકા અને પછી વધારાના 25 ટકા ટેરિફ લગાવાયો છે, જેનાથી ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં 50 ટકા ટેરિફ લાગુ થઈ ગયો છે. જો કે, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ભારત સાથે વ્યાપારિક સંબંધ સુધારવા અને વડાપ્રધાન મોદી સાથે વાતચીત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.