PM મોદીએ મુંબઇની મેટ્રો એક્વાલાઇનનું કર્યું ઉદ્ઘાટનઃ જાણો સ્ટેશન, ભાડું અને રૂટની તમામ વિગતો
Mumbai Metro Aqua Line Innaugration : વડાપ્રધાન મોદીએ મુંબઈ મેટ્રો લાઈન-3 ના અંતિમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે જ હવે મુંબઇમાં મુસાફરી પહેલા કરતાં વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનશે. આ ફેઝ રૂ. 12,200 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે, જ્યારે સમગ્ર મેટ્રો લાઈન-3 (એક્વા લાઈન) તૈયાર કરવામાં રૂપિયા 37,270 કરોડનો ખર્ચ થયો છે.
મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો: PM મોદી
વડાપ્રધાન મોદીએ આ અંગે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી લખ્યું કે, ‘મુંબઈ મેટ્રો લાઈન-3 નો ફેઝ 2B મુંબઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર સુધારો દર્શાવે છે. કોઈપણ શહેરના વિકાસ માટે મેટ્રો કનેક્ટિવિટી જરૂરી છે. આ પ્રોજેક્ટ મુંબઈના લોકોના જીવન પર સકારાત્મક અસર કરશે.’
દરરોજ 13 લાખ લોકો મુસાફરી કરશે
નોંધનીય છે કે, આ મુંબઈની પહેલી સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઈન છે, જે 33.5 કિલોમીટર લાંબી છે અને તેમાં 27 સ્ટેશનો છે. આ મેટ્રો પર દરરોજ આશરે 13 લાખ લોકો મુસાફરી કરશે. આ ઉપરાંત મોદીએ મુંબઈ વન એપ પણ લોન્ચ કરી છે.
ભાડું કેટલું હશે?
આ લાઇન દ્વારા દક્ષિણ મુંબઈથી છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સુધી સીધી મેટ્રો સુવિધા મળશે. જે ફ્લાઇટમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટી રાહત છે. ભાડાની વાત કરીએ તો, 3 કિ.મી. સુધી મુસાફરી કરવા 10 રૂપિયા ભાડું ચૂકવવું પડશે, 3 થી 12 કિ.મી. સુધી મુસાફરી કરનારાઓએ 20 રૂપિયા ચૂકવવા પડશે. 12 થી 18 કિ.મી. સુધી મુસાફરી કરનારાઓ માટે 30 રૂપિયા, 18 થી 24 કિ.મી. સુધી મુસાફરી કરનારાઓ માટે 40 રૂપિયા, 24 થી 30 કિ.મી. માટે 50 રૂપિયા અને 30 થી 36 કિ.મી. માટે 60 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે.