મહોબા ખાતે અર્જુન સહાયક પરિયોજનાનું ઉદ્ઘાટન, PM મોદીએ કહ્યું- પાછલી સરકારોએ બુંદેલખંડને લૂંટ્યુ
- ઝાંસીના પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીએ રાણી લક્ષ્મીબાઈની જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી
નવી દિલ્હી, તા. 19 નવેમ્બર, 2021, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહોબા ખાતે અર્જુન સહાયક પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આશરે 2,655 કરોડ રૂપિયાની અર્જુન સહાયક પરિયોજના મહોબા, હમીરપુર, બાંદાના ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારી સાબિત થશે. આ પરિયોજના દ્વારા ખેડૂતોને 59,485 હેક્ટર જમીનની સિંચાઈની સુવિધાનો ફાયદો મળશે. આ સાથે જ આ પરિયોજનાના માધ્યમથી મહોબા જિલ્લામાં 200 લાખ ઘન મીટર પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહોબા, હમીરપુર, બાંદા અને લલિતપુર ખાતે 3,240 કરોડ રૂપિયાની અર્જુન સહાયક પરિયોજના, ભાવની બાંધ પરિયોજના, રતૌલી બાંધ પરિયોજના, મસગાંવ-ચિલ્લી સ્પ્રિંકલર પરિયોજનાનું લોકાર્પણ કર્યું.
પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, બુંદેલખંડમાંથી પલાયન રોકવા માટે તે વિસ્તારને રોજગાર મામલે આત્મનિર્ભર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બુંદેલખંડ એક્સપ્રેસવે અને યુપી ડિફેન્સ કોરિડોર તેનું ખૂબ મોટું પ્રમાણ છે. આ ઉપરાંત વડાપ્રધાને જણાવ્યું કે, બુંદેલખંડના લોકો પહેલી વખત વિકાસ માટે કામ કરનારી સરકાર જોઈ રહ્યા છે. પાછલી સરકારો યુપીને લૂંટતા થાકતી નહોતી, અમે કામ કરતા થાકતા નથી.
વડાપ્રધાને જણાવ્યું કે, બુંદેલખંડને લૂંટીને અગાઉ સરકાર ચલાવનારાઓએ પોતાના પરિવારનું ભલું કર્યું. તમારો પરિવાર ટીપે-ટીપાં માટે તરસતો રહે તેનાથી તેમને કોઈ જ ફરક ન પડ્યો.
અર્જુન સહાયક પરિયોજના દ્વારા ખેડૂતોને 59,485 હેક્ટર જમીનની સિંચાઈ સુવિધાનો ફાયદો મળશે. આ સાથે જ આ પરિયોજના દ્વારા મહોબા જિલ્લામાં 200 લાખ ઘન મીટર પીવાનું પાણી પણ ઉપલબ્ધ થશે.
આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19-21 નવેમ્બર સુધી 3 દિવસ માટે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. મહોબા બાદ વડાપ્રધાન ઝાંસી જશે અને ગરૌઠા ખાતે 600 મેગાવોટના અલ્ટ્રા મેગા સોલર પાવર પાર્કની આધારશીલા રાખશે. તે માટે આશરે 3,000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે. તે સિવાય વડાપ્રધાન અટલ એકતા પાર્કનું ઉદ્ઘાટન કરશે જેની કિંમત 11 કરોડ રૂપિયા છે. 40 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલા આ પાર્કમાં અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમા મુકવામાં આવી છે. મૂર્તિકાર રામ સુતારે આ પ્રતિમાનું નિર્માણ કર્યું છે અને તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પણ પોતાનું યોગદાન આપ્યું હતું.
વડાપ્રધાન મોદી ઝાંસી ખાતે રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં સહભાગી બનશે. આ દરમિયાન તેઓ સ્વદેશી રીતે ડિઝાઈન અને વિકસિત કરવામાં આવેલા હથિયારો-ઉપકરણોની સેનાને સોંપણી કરશે. આ ઉપરાંત તેઓ ડિફેન્સ કોરિડોર ખાતે 400 કરોડ રૂપિયાની પરિયોજનાનો શિલાન્યાસ કરશે.
ઝાંસીના પ્રવાસ પહેલા વડાપ્રધાન મોદીએ રાણી લક્ષ્મીબાઈની જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, હું રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતિ પર નમન કરૂ છું. તેઓ ભારતના ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેમની બહાદુરીને પેઢીઓ કદી પણ નહીં ભૂલી શકે. હું આજે ઝાંસીના પ્રવાસ દરમિયાન ભારતના સંરક્ષણ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા સંબંધી કાર્યક્રમમાં સહભાગી બનીશ. તે સિવાય વડાપ્રધાને દેશના પૂર્વ વડાપ્રધાન ઈંદિરા ગાંધીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વડાપ્રધાન 19 નવેમ્બરની રાતે લખનૌ ખાતે રોકાશે. 20-21 નવેમ્બરના રોજ તેઓ ડીજીપી કોન્ફરન્સમાં સહભાગી બનશે અને ત્યાં ઉપસ્થિત દેશભરના ડીજીપીને સંબોધિત કરશે. આ કોન્ફરન્સમાં સાઈબર અપરાધ, ડેટા ગવર્નન્સ, આતંકવાદ વિરોધી પડકારો, વામપંથી ઉગ્રવાદ, ડ્રગ્સ તસ્કરી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.