VIDEO: વડાપ્રધાન મોદીનું ઘાનામાં ભવ્ય સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર, રાષ્ટ્રપતિ જૉન મહામાએ કર્યું સ્વાગત
PM Modi in Ghana: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 8 દિવસની પાંચ દેશોની વિદેશ યાત્રાએ છે. આજે(2 જુલાઈ) તેઓ ઘાના પહોંચ્યા હતા. ઘાનાના અક્રા પહોંચવા પર ઘાનાના રાષ્ટ્રપતિ જૉન મહામાને વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન એરપોર્ટ પર જ વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઓનરની સાથે 21 તોપોની સલામી આપવામાં આવી.
વડાપ્રધાન મોદીની ઘાનાની પહેલી દ્વિપક્ષીય યાત્રા
એરપોર્ટ પર ઉતરતાની સાથે જ વડાપ્રધાન મોદીનું એક બાળકીએ કર્યું સ્વાગત
જણાવાય રહ્યું છે કે, અક્રામાં ઘાનાના કલાકારોએ વડાપ્રધાન મોદીની સામે રંગારંગ કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. વડાપ્રધાન મોદી જે હોટલમાં રોકાયા, ત્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. એક હોટલની બહાર બાળકો ભારતીય વેશભૂષામાં પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી માટે સંસ્કૃતમાં શ્લોક બોલ્યા હતા. વડાપ્રધાનના આગમન પર ભારતના પ્રવાસી લોકોએ પણ તેમનું વેલકમ કરતા તેમની સાથે વાત કરી હતી.
મોદી સૌથી પહેલા ઘાના પહોંચ્યા છે. જ્યાં તેઓ પ્રમુખ જ્હોન દ્રામાપી મહામાના મહેમાન બન્યા છે. આ કોઈ ભારતીય વડાપ્રધાનની 30 વર્ષમાં પહેલી ઘાના યાત્રા છે. આ અગાઉ 1957માં પંડિત જવાહરલાલ નેહરૂ અને 1995માં નરસિમ્હા રાવે ઘાના પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદી આફ્રિકન યુનિયન અને ઇકોનોમિક કોમ્યુનિટી ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટસના નેતાઓ સાથે મંત્રણા યોજશે.
પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ઘાના, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, આર્જેન્ટિના, નામિબિયા અને બ્રાઝિલની મુલાકાત લેશે. તેઓની આ યાત્રા એટલાંટિકની બંને બાજુએ રહેલાં ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધો ગાઢ કરવાનો તો છે જ. પરંતુ તે સાથે યુએનની મહાસભામાં ભારતનાં સલામતી સમિતિમાં કાયમી સ્થાન માટેનાં મતદાનમાં પુષ્ટિ મેળવવાનો પણ ગર્ભિત હેતુ છે.
વિદેશ યાત્રાએ જતાં પૂર્વે કરેલાં એક નિવેદનમાં તેઓએ કહ્યું હતું કે હું આ યાત્રા દરમિયાન બ્રિક્સ, આફ્રિકન-યુનિયન, ઇકોડબલ્યુએસ (ઇકોનોમિક ઓર્ગેનાઝેશન ઓફ વેસ્ટ આફ્રિકન સ્ટેટસ) તથા કેરીકોમ (કેરિબિયન-કોમર્સ)ના નેતાઓ સાથે મંત્રણા કરવાનો છું.
વડાપ્રધાન મોદીનો 8 દિવસનો કાર્યક્રમ
વડાપ્રધાન મોદી ઘાનામાં 2-3 જુલાઈ સુધી રહેશે. ત્યાંથી તેઓ કેરિબિયન સી સ્થિત 'ટ્રિનિદાદ એન્ડ ટોબેગો' જશે. વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરો આપનાર આ ટાપુ દ્વંદ્વમાં તેઓ 3-4 જુલાઈ રોકાશે. કેરેબિયન દેશો સાથે ભારતનો સંબંધ તો 180 વર્ષ જૂનો છે. 180 વર્ષ પૂર્વે અહીં સૌથી પહેલો ભારતીય સમૂહ આવ્યો હતો. તેઓ ક્રીસ્ટીન કાર્લા કંગાબુ અને વડાપ્રધાન કમલા પ્રસાદ બિસ્સેચર (કમલા પ્રસાદ વિશ્વેશ્વર)ને મળશે. (કમલા-પ્રસાદ મૂળ ભારત વંશીય છે.) જેઓએ વડાપ્રધાન તરીકેની તેઓની બીજી મુદત હમણાં જ શરૂ કરી છે.
અહીંથી તેઓ આર્જેન્ટિનાનાં પાટનગર બ્યુનોસ એરિસ જવાના છે. એટલાંટિક મહાસાગરના નાના અખાતના શિર્ષ ઉપર રહેલાં આ શહેરનાં નામનો અર્થ જ સુંદર હવા તેવો થાય છે. 57 વર્ષ પછી આર્જેન્ટિનાની મુલાકાત લેનારા તેઓ પહેલા ભારતીય વડાપ્રધાન બની રહેશે. તેને G-20માં મહત્ત્વનું આર્થિક ભાગીદાર કહેવા સાથે તેને લેટિન અમેરિકામાં એક મહત્ત્વનાં સાથી તરીકે ભારતે તેને ઓળખાવ્યું હતું. અને ખેતી તથા ઊર્જા અને ટેકનોલોજીમાં મહત્ત્વનું ભાગીદાર કહ્યું હતું.
અહીંથી તેઓ બ્રાઝિલની મુલાકાતે જશે. પહેલાં વિશ્વની એક સૌથી સુંદર પર્વતીય ભૂશિર રાયો-દ-જાનીરો જશે જ્યાંથી તેઓ પાટનગર બ્રાઝિલિયા જશે. જ્યાં ભારત પછી G-20નું અધ્યક્ષ પદ સંભાળનારા પ્રમુખ લુઇઝ લુલા દ'સિલ્વા સાથે મંત્રણા કરશે. જેમાં ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ ચર્ચવામાં આવશે. તેમા બ્રિક્સ દેશોની યોજાનાર પરિષદમાં ઉપસ્થિત રહેશે. આ પરિષદ રાયો દ'જાનીરોમાં યોજાવાની છે.
તા. 6-7 જુલાઈ દરમિયાન બ્રિક્સ દેશોની પરિષદમાં તેઓ હાજરી આપશે. નરેન્દ્ર મોદીની હાજરીને બ્રિક્સ દેશો અત્યંત મહત્ત્વ આપે છે. આ પરિષદમાં પ્રમુખ પુતિન તો હાજર નહીં રહે, પરંતુ ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ હાજર રહેશે કે કેમ તે નક્કી નથી.
જુલાઈ 6-7 દરમિયાન બ્રિક્સની પરિષદ પછી 8મીએ તેઓ બ્રાઝિલિયા જઇ તુર્ત જ 9મીએ નામિબિયા જશે. વિશ્વનાં સૌથી ગાઢ વિષુવવૃત્તીય જંગલોવાળા દેશોમાંથી વિશ્વના સૌથી સુકા દેશો પૈકીના એક નામિબિયા જશે. પ્રમુખ નેતુમ્બો નાન્દી, નદૈથવા સાથેની મંત્રણામાં તેઓ બંને દેશોએ સંસ્થાનવાદ દરમિયાન વેઠેલી આપત્તિઓ યાદ કરશે. તા.9મીએ રાત્રે તેઓ ભારત પરત આવશે.