વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ અને નેતન્યાહૂને કર્યો ફોન, ગાઝા શાંતિ સમજૂતીનું કર્યું સ્વાગત્

Gaza Peace Deal: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાઝા શાંતિ સમજૂતીની સફળતા પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ફોન કરીને શુભેચ્છા આપી. ત્યારબાદ ઈઝરાયલના વડાપ્રધાન સાથે પણ ફોન પર વાત કરી હતી. આ અંગે વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને માહિતી આપી. ઈઝરાયલ અને હમાસે ગુરૂવારે (9 ઓક્ટોબર, 2025) સીઝફાયર અને પેલેસ્ટાઈનના કેદીઓના બદલામાં ઈઝરાયલી બંધકોને મુક્ત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ગાઝા ટ્રમ્પ તરફથી કરાઈ રહેલી શાંતિ પહેલનો ભાગ છે.
વડાપ્રધાન મોદીએ ટ્રમ્પને ફોન કરીને આપી શુભેચ્છા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'મારા મિત્ર, રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી અને ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા પર તેમને શુભેચ્છા આપી. ટ્રેડ ડીલમાં થયેલી સારી પ્રગતિની પણ સમીક્ષા કરી. અમે આગામી અઠવાડિયામાં ગાઢ સંપર્કમાં રહેવા સંમત થયા.'
વડાપ્રધાન મોદીએ નેતન્યાહૂને ફોન કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર વધુ એક પોસ્ટ કરીને કહ્યું કે, 'રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના હેઠળ થયેલી પ્રગતિ બદલ અભિનંદન આપવા માટે મારા મિત્ર વડાપ્રધાન નેતન્યાહૂને ફોન કર્યો. અમે બંધકોની મુક્તિ અને ગાઝાના લોકોને માનવતાવાદી સહાય વધારવાના કરારનું સ્વાગત કરીએ છીએ. પુનઃપુષ્ટિ કરી કે કોઈપણ સ્વરૂપ કે અભિવ્યક્તિમાં આતંકવાદ વિશ્વમાં ક્યાંય પણ અસ્વીકાર્ય છે.'
ઇઝરાયલ-હમાસ વચ્ચે થઈ સમજૂતી
ઇજિપ્તમાં બંને પક્ષોના અધિકારીઓ વચ્ચે થયેલી વાતચીત બાદ આ કરાર પર હસ્તાક્ષરની પુષ્ટિ કરાઈ. આ 2 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાની દિશામાં ઉઠાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું પગલું છે. આ સમજૂતી હેઠળ ગાઝામાં સીઝફાયર લાગુ થશે. ઇઝરાયલ ગાઝાથી આંશિક રૂપે પાછળ હટશે અને હમાસ તરફથી પકડાયેલા બંધકોને મુક્ત કરાશે, જેના બદલામાં ઇઝરાયલ પોતાના કબજામાં રાખેલા પેલેસ્ટાઈનના કેદીઓને મુક્ત કરશે.
ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે એક નિવેદનમાં કહ્યું કે, 7 ઓક્ટોબર, 2023થી ગાઝા પર ઇઝરાયલી હુમલામાં 67,139 પેલેસ્ટાઈનના લોકો માર્યા ગયા અને 1,69,583 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. માર્યા ગયેલા વધુ પડતા લોકો સામાન્ય નાગરિક છે, જેમાં કેટલીક મહિલાઓ અને બાળકો સામેલ છે.