વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર
NDA Meeting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં રાજધાની દિલ્હીમાં આજે રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA)ની બેઠક યોજાઈ હતી, જેમાં એનડીએના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ ઓપરેશન સિંદૂરમાં સેનાના પરાક્રમ અને પીએમ મોદીના સાહસી નેતૃત્વની પ્રશંસા કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી આ મુદ્દે માહિતી આપી હતી.
NDAની બેઠકમાં બે પ્રસ્તાવ પસાર કરાયા
નડ્ડાએ કહ્યું કે, ‘આજે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએના મુખ્યમંત્રીઓનો કોન્ક્લેવ યોજાયો હતો, જેમાં બે પ્રસ્તાવ પસાર કરાયા છે. બેઠકમાં ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાની વિરતા અને વડાપ્રધાન મોદીના સાહસી નેતૃત્વની પંશંસા કરતો પ્રસ્તાવ પસાર કરાયો છે. બેઠકમાં ‘જાતિ વસ્તી ગણતરી’ની પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠક દરમિયાન કેન્દ્ર સરકારે જાતિ વસ્તી ગણતરી પર લીધેલા નિર્ણયની પ્રશંસા કરાઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પાર્ટીના નેતાઓને કેટલીક મહત્ત્વની સલાહ પણ આપી છે.
વડાપ્રધાન મોદીએ નેતાઓને આપ્યા આ નિર્દેશ
વડાપ્રધાન મોદીએ બેઠક દરમિયાન સંઘર્ષ વિરામ પર ટિપ્પણી કરી છે, તેમજ ભાજપ નેતાઓને નિર્દેશ પણ આપ્યા છે. તેમણે પાર્ટીના નેતાઓને ખોટી નિવેદનબાજીથી બચવાની સલાહ આપી છે. તેમણે એનડીએના મુખ્યમંત્રીઓને સંબોધન કરી કહ્યું કે, જાતી વસ્તી ગણતરી કરવાનો નિર્ણય એક મહત્ત્વનું પગલું છે, આનાથી હાશિયામાં ધકેલાયા લોકો અને પછાત લોકોને વિકાસની મુખ્યપ્રવાહમાં લાવી શકાશે. ઓપરેશન સિંદૂરની સફળતાથી દેશની આત્મનિર્ભરતાની દિશામાં મેળવેલી ઉપલબ્ધીઓની પણ પુષ્ટી થઈ ગઈ છે. આ ઓપરેશન બાદ વિશ્વભરે આપણી સ્વદેશી સંરક્ષણ સિસ્ટમની ચોક્સાઈને જોઈ લીધી છે.
અમે ઈમરજન્સીના 50 વર્ષ પૂરા થવા પર પર્દાફાશ કરીશું : નડ્ડા
કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જાતિ વસ્તી ગણતરી પર ચર્ચા કરતા કહ્યું કે, ‘અમે જાતિ આધારીત રાજકારણ કરતા નથી, પરંતુ જે વંચિત, પીડિત, શોષિત અને દલીતો છૂટી ગયા છે, તેમને વિકાસના મુખ્યપ્રવાહમાં લાવાનું કામ કરીએ છીએ. અમે જાતિ વસ્તી ગણતરી દ્વારા આ બાબતો પર ધ્યાન આપી રહ્યા છએ અને તેને આગળ વધારવા પર કામ કરી રહ્યા છીએ. આ સમાજની જરૂરીયાત છે.’ એનડીએના મુખ્યમંત્રીઓની યોજાયેલી બેઠક દરમિયાન પહલગામમાં આતંકી હુમલામાં માર્યા ગયેલા 22 લોકોને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
નડ્ડાએ બેઠકમાં એમ પણ કહ્યું કે, ‘25-26 જૂને ઈમરજન્સીના 50 વર્ષ પૂરા થવાના છે. આ દરમિયાન એનડીએ તેનો પર્દાફાશ કરશે અને જે લોકોએ લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો, તેઓની માહિતી જનતા સુધી પહોંચાડીશું.