Get The App

5 મહિનામાં 169 શહેરોમાં દોડશે 10,000 ઈલેક્ટ્રીક બસો... તમામ રાજ્યો પાસે મંગાવાયા પ્રસ્તાવ

આગામી પાંચ-છ મહિનામાં શરૂ થઈ જશે પીએમ-ઈબસ સેવા

મંત્રાલયે રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રસ્તાવ જમા કરાવવા આપ્યો આદેશ

Updated: Aug 31st, 2023

GS TEAM


Google News
Google News
5 મહિનામાં 169 શહેરોમાં દોડશે 10,000 ઈલેક્ટ્રીક બસો... તમામ રાજ્યો પાસે મંગાવાયા પ્રસ્તાવ 1 - image

નવી દિલ્હી, તા.31 ઓગસ્ટ-2023, ગુરુવાર

આગામી સમયમાં દેશના 169 શહેરોમાં 10,000 ઈલેક્ટ્રીક બસો દોડતી જોવા મળશે. આ માટે કેન્દ્ર સરકારે મોટી યોજના હાથ ધરી છે. આ બસો ‘પીએમ-ઈબસ સેવા’ યોજના હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જાહેર તેમજ ખાનગી ભાગીદારી એટલે કે PPP મોડલ હેઠળ શરૂ થનાર આ યોજના આગામી પાંચ-છ મહિનામાં શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે આ માહિતી આપવાની સાથે તમામ રાજ્યોને પણ 30 સપ્ટેમ્બર સુધીમાં પ્રસ્તાવ જમા કરાવવા કહ્યું છે.

રાજ્યોએ 30 સપ્ટેમ્બર સુધીમાં જમા કરાવવા પડશે પ્રસ્તાવ

કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, આ માટે કેન્દ્ર સરકાર ટુંક સમયમાં વાતાનુકૂલિત બસો ખરીદવા જઈ રહી છે. આવાસ અને શહેરી બાબતોના સચિવ મનોજ જોશીએ જણાવ્યું કે, 169 શહેરોમાં આ યોજના શરૂ કરવામાં આવશે. આ માટે રાજ્યોએ 30 સપ્ટેમ્બર સુધીમાં તેમનો પ્રસ્તાવ જમા કરાવવો પડશે.

બસોમાં થશે મેટ્રો જેવો અનુભવ

મનોજ જોષીએ જણાવ્યું કે, બે દિવસ પહેલા જ દિશા-નિર્દેશો જારી કરી દેવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે, આ ઈલેક્ટ્રિક બસોમાં મેટ્રો જેવો અનુભવ થશે... આ બસની ટિકિટ ઓટોમેટિક ફેયર સિસ્ટમ દ્વારા મેળવી શકાશે. ઉપરાંત તેમણે કહ્યું કે, આ બસો ચલાવનાર ઓપરેટરોને પ્રતિ કિલોમીટર 20-40 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું કે, આ યોજના હેઠળ બસ સેવાઓ ચલાવવા અને બસ ઓપરેટરોને ચૂકવણી કરવા માટે શહેરો જવાબદાર રહેશે.

યોજના પાછળ 57 હજાર કરોડ રૂપિયાનો થશે ખર્ચ

હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સર્વિસ પ્રોવાઈડર આ યોજનામાં સામેલ છે. તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, પીએમ ઈ-બસ યોજનામાં સારી સફળતા મળશે. કેન્દ્રીય મંત્રીમંડળે આ મહિનાની શરૂઆતમાં જ યોજનાને મંજુરી આપી દીધી હતી. આ યોજના પાછળ અંદાજીત 57613 કરોડ રૂપિયાનો ખર્ચ થશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 20,000 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે અને અન્ય રકમ રાજ્યએ ચૂકવવી પડશે.

2037 સુધી ચલાવાશે ‘પીએમ-ઈબસ સેવા’ યોજના

સરકારે કહ્યું કે, જે શહેરોમાં યોગ્ય બસ સેવા ઉપલબ્ધ નથી, તે શહેરોના પ્રાથમિકતા અપાશે... આ યોજના 2037 સુધી ચાલુ રહેશે... આ યોજનાના 2 ભાગ હશે, જેમાં 169 શહેરોમાં સિટી બસ સેવા વધારવાની પહેલ તેમજ 181 શહેરોમાં ગ્રીન અર્બન મોબિલિટીની પહેલનો સમાવેશ થાય છે. 3 લાખથી 40 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં ઈ-બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Tags :