'લોકો વારંવાર વોટ આપીને કંટાળી જાય છે', વન નેશન-વન ઈલેક્શન મામલે પિયુષ ગોયલનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તસવીર : IANS
One Nation One Election : કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એક દેશ, એક ચૂંટણી લાગુ કરવાની માંગ સાથે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકો વારંવાર વોટ નાંખીને થાકી જાય છે. જો ભારતમાં એક દેશ, એક ચૂંટણી લાગુ થશે તો અત્યારે છે તેનાથી વધુ લોકો મતદાનમાં ભાગ લેશે. ચૂંટણી પર થતાં ખર્ચમાં ઘટાડો થશે અને શાસન વ્યવસ્થા પણ સુધરશે.
વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે યોજાય તો વધુ મતદાન થશે: ગોયલ
દિલ્હીમાં આયોજિત એક સમિટના કાર્યક્રમમાં ગોયલે કહ્યું, કે 'અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમય પર ચૂંટણી થવાના કારણે પ્રજા પણ પરેશાન થાય છે અને શાસનમાં પણ અડચણ ઊભી થાય છે. લોકો વારંવાર વોટ નાંખીને પણ કંટાળી જાય છે. આચાર સંહિતા લાગુ થવાના કારણે સરકારી કામકાજ રોકાઈ જાય છે. આંધ્ર પ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજાય છે. આ બંને રાજ્યોમાં વધુ પ્રમાણમાં મતદાન થાય છે.
ગોયલે ઉદ્યોગ જગતના લોકોને અપીલ કરતાં કહ્યું, કે 'જો કારોબારી સમુદાય વન નેશન, વન ઈલેક્શનનો દ્રઢ નિશ્ચય કરી તો આપણે ભારતના સૌ લોકોના હૃદય સુધી પહોંચી શકીએ છીએ.'
ભાજપ વન નેશન, વન ઈલેક્શનના પક્ષમાં પણ વિપક્ષનો વિરોધ
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા ઘણા સમયથી વન નેશન, વન ઈલેક્શન માટે દેશભરમાં માહોલ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. આગામી વર્ષોમાં આ માળખું લાગુ કરવા પણ કેન્દ્ર સરકારે કમર કસી છે. જોકે બીજી તરફ વિપક્ષનો આરોપ છે કે વન નેશન, વન ઈલેક્શનના કારણે રાજ્યોની સ્વાયત્તા ઓછી થશે અને આ નીતિ લોકતંત્રના માળખા પર હુમલો છે.








