Get The App

પિંક સિટી જયપુરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપ્યો

- રાજસ્થાનમાં કુલ 37 વૈશ્વિક ધરોહર તરીકે સ્થાન પામેલા સ્થળો

- વૈશ્વિક ધરોહરનો દરજ્જો મળવાને કારણે પ્રવાસન વધશે

Updated: Jul 6th, 2019

GS TEAM


Google News
Google News
પિંક સિટી જયપુરને યુનેસ્કોએ વૈશ્વિક ધરોહરનો દરજ્જો આપ્યો 1 - image


અનેક લોકોને રોજગારી મળશે, સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બનશે

(પીટીઆઈ) જયપુર, તા. 6 જુલાઇ, 2019, શનિવાર

વાસ્તુ કળાનો શાનદાર વારસો અને પોતાની જીવંત સંસ્કૃતિ માટે પ્રખ્યાત પ્રાચીન શહેર જયપુરને યુનેસ્કોની વૈશ્વિક ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. ૩૦ જૂનથી ૧૦મી જુલાઈ દરમિયાન બાકૂ(અજરબૈજાન) ખાતે મળેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને શનિવારે રાજસ્થાનની રાજધાની જયપુરને આ દરજ્જો સોંપવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયપુરને વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું તે અંગે ટ્વિટરના માધ્યમથી આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'મનોહર અને ઉર્જાવાન જયપુરનું આતિથ્ય સમગ્ર વિશ્વના લોકોને આકર્ષિત કરે છે. યુનેસ્કોએ આ શહેરને વૈશ્વિક ધરોહરના સ્થળ તરીકે ચિહ્નિત કર્યું તેનો આનંદ છે.'

રાજસ્થાનના ઐતિહાસિક સ્થળ જયપુરની સ્થાપના સવાઈ જય સિંહ દ્વિતીયના સંરક્ષણમાં થઈ હતી અને સાંસ્કૃતિકરુપે સંપન્ન એવું આ શહેર રાજસ્થાન રાજ્યની રાજધાની છે. રાજસ્થાનમાં કુલ ૩૭ વૈશ્વિક વારસા તરીકે સ્થાન પામેલા સ્થળો આવેલા છે જેમાં ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢ, જેસલમેર, રણથંભોર અને ગાગરોનના કિલ્લાનો સમાવેશ થાય છે. 

૨૦૧૭ના ઓપરેશન ગાઈડલાઈન અંતર્ગત દર વર્ષે એક રાજ્યમાંથી માત્ર એક સ્થળને જ વૈશ્વિક ધરોહર જાહેર કરવા પ્રસ્તાવિત કરી શકાય છે. જયપુરને આ દરજ્જો મળવાને કારણે ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય પર્યટનને પ્રોત્સાહન મળશે, સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થશે અને અનેક લોકોને રોજગારી મળશે. આ ઉપરાંત હસ્તશિલ્પ અને વણાટકામ ઉદ્યોગને પણ ફાયદો થશે. 

યુનેસ્કોની વૈશ્વિક વારસા કમિટીની ૪૩મા સત્રની બેઠકમાં જયપુરને આ સન્માન આપવામાં આવ્યું હતું. બેઠક બાદ યુનેસ્કો દ્વારા ટ્વિટરના માધ્યમથી આ અંગે જાણ કરવામાં આવી હતી અને ટ્વિટમાં લખ્યું હતું કે, 'ભારતના રાજસ્થાનમાં આવેલા જયપુર શહેરને યુનેસ્કોના વૈશ્વિક ધરોહર સ્થળ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું છે.'

જાણવા મળ્યા મુજબ સ્મારક અને સ્થળ અંગેની આંતરરાષ્ટ્રીય પરિષદે ૨૦૧૮ની સાલમાં આ માટે શહેરનું નિરીક્ષણ કર્યું હતું. નામાંકન બાદ બાકૂમાં ડબલ્યુએચસીએ આ મુદ્દે ધ્યાન આપ્યું હતું યુનેસ્કો દ્વારા તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

Tags :