FOLLOW US

10થી વધુ રાજ્યોમાં PFI પદાધિકારીઓના ત્યાં દરોડા, 100થી વધુની ધરપકડ

Updated: Sep 22nd, 2022


- રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફન્ડિંગ, ટ્રેઈનિંગ કેમ્પ યોજવામાં સામેલ લોકોના આવાસ અને સત્તાવાર સ્થળોએ તલાશી હાથ ધરી

નવી દિલ્હી, તા. 22 સપ્ટેમ્બર, 2022, ગુરૂવાર

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને EDએ આતંકવાદ સામેના અભિયાન અંતર્ગત ગુરૂવારે સવારે 10થી પણ વધારે રાજ્યોમાં ભારે મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ એજન્સીઓએ 10 જેટલા રાજ્યોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના પદાધિકારીઓના આવાસ અને કાર્યાલયો ખાતે દરોડા પાડ્યા છે. આ દરમિયાન 100થી પણ વધારે કેડરની ધરપકડ પણ કરવામાં આવી છે. આ પ્રકારની કાર્યવાહી બાદ પાર્ટીના કાર્યકરોએ કર્ણાટક અને કેરળમાં ભારે વિરોધ નોંધાવ્યો છે. 

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ ટેરર ફન્ડિંગ, ટ્રેઈનિંગ કેમ્પ યોજવામાં સામેલ લોકોના આવાસ અને સત્તાવાર સ્થળોએ તલાશી હાથ ધરી છે. ઉત્તર પ્રદેશ, કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુમાં NIAની કાર્યવાહી ચાલુ છે. તપાસ એજન્સીઓએ 10થી પણ વધારે રાજ્યોમાં પ્રદેશ પોલીસ સાથે મળીને 100થી પણ વધારે કેડર્સની ધરપકડ કરી છે. 

તે સિવાય એનઆઈએએ તમિલનાડુમાં પણ કોઈમ્બતૂર, કુડ્ડલોર, રામનાદ, દિંડુગલ, થેની અને થેનકાશી સહિતના અનેક સ્થળોએ પીએફઆઈના પદાધિકારીઓના આવાસ ખાતે દરોડો પાડ્યો છે. તે સિવાય રાજધાની ચેન્નાઈમાં પીએફઆઈના પ્રદેશ હેડક્વાર્ટર ખાતે પણ તપાસ ચાલુ છે. 

ચેરમેન પણ સકંજામાં

તપાસ એજન્સીઓએ પીએફઆઈના પ્રદેશ અને જિલ્લા સ્તરીય નેતાઓના ઘરે દરોડો પાડ્યો છે. સાથે જ મલપ્પુરમ જિલ્લાના મંજેરી ખાતે પાર્ટીના ચેરમેન સલામ પર પણ સકંજો કસાયો છે. સલામ સામેની કાર્યવાહીના વિરોધમાં પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન હાથ ધર્યું છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. 


રવિવારે પણ થઈ હતી કાર્યવાહી

રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે પણ આંધ્ર પ્રદેશના વિભિન્ન જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પીએફઆઈના સદસ્યોને પુછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ હિંસા ભડકાવવા અને ગેરકાયદેસર ગતિવિધિઓ સાથે સંકળાયેલા કેસ અંતર્ગત કાર્યવાહી કરી હતી. તે દરમિયાન એનઆઈએના અધિકારીઓની 23 ટીમોએ નિઝામાબાદ, કુર્નૂલ, ગુંટૂર અને નેલ્લોર જિલ્લામાં આશરે 38 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. 



Gujarat
English
Magazines