બિહારમાં બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળના લોકો મતદાર
- આ તે કેવું તંત્ર, નવી મતદાર યાદીઓમાં છણાવટ વગર નોંધાયા !
- એક જ સરનામા પર અનેક મતદારોના નામ, મતદાર યાદીમાં સુધારા માટે અપાયેલા એનુમરેશન ફોર્મમાંથી 80 ટકા જમા થઈ ગયા : ચૂંટણી પંચ
- આગામી મહિનાથી બિહારની જેમ ઓગસ્ટથી આખા દેશમાં નવી મતદાર યાદી બનશે : ચૂંટણી પંચ
નવી દિલ્હી: બિહારમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ ચૂંટણી પંચે મતદાર યાદીમાં મોટાપાયે સુધારા કાર્યક્રમ હાથ ધર્યો છે. ચૂંટણી પંચના આ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) અભિયાનમાં મોટો ઘટસ્ફોટ થયો છે. બાંગ્લાદેશ, મ્યાંમાર, નેપાળના નાગરિકો બિહારમાં મતદાર બની ગયા હોવાનો ચૂંટણી પંચના અધિકારીઓએ ભાંડો ફોડયો છે. મતદાર યાદીમાં સુધારા માટે ઘરે ઘરે જઈ રહેલા બીએલઓને મોટી સંખ્યામાં વિદેશી લોકો મળી રહ્યા છે. એટલું જ નહીં એક જ સરનામા પર અનેક લોકોના નામોની નોંધણી થઈ છે જ્યારે મૂળ મકાન માલિકને તેની જાણ પણ નથી તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. ચૂંટણી પંચે જણાવ્યું કે, બિહારની જેમ આગામી મહિનાથી આખા દેશમાં મતદાર યાદીમાં વ્યાપક સુધારા કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચનો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વિવાદાસ્પદ બન્યો છે ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે નવી મતદાર યાદી બનાવવા માટે વ્યાપક પુનઃસમીક્ષા કાર્યક્રમ માટે ઘરે ઘરે જઈ રહેલા ફિલ્ડ લેવલના અધિકારીઓને બાંગ્લાદેશ, મ્યાંમાર અને નેપાળના ગેરકાયદે વસાહતીઓ મોટી સંખ્યામાં ભારતીય નાગરિક તરીકે મતદાર યાદીમાં જોડાઈ ગયા હોવાનું બહાર આવ્યું છે. યોગ્ય તપાસ બાદ ૩૦ સપ્ટેમ્બરે પ્રકાશિત થનારી અંતિમ મતદાર યાદીમાં આ લોકોનો સમાવેશ કરવામાં નહીં આવે.
ચૂંટણી પંચે બિહારની જેમ આગામી મહિનાથી સમગ્ર ભારતમાં મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ શરૂ કરવા માટે તેની સંભવિત ચૂંટણી મશીનરીને કામે લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ગયા મહિને મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ ચલાવવો એ ચૂંટણી પંચની બંધારણીય ફરજ હોવાનું જણાવતા અને બિહારમાં એસઆઈઆર અભિયાનને ચાલુ રાખવાની મંજૂરી આપ્યા પછી હવે ચૂંટણી પંચે સમગ્ર દેશમાં આ કાર્યક્રમ શરૂ કરવાની તૈયારી કરી છે. કેટલાક રાજ્યોમાં મુખ્ય ચૂંટણી અધિકારીઓએ તેમના રાજ્યમાં છેલ્લા એસઆઈઆર પછીની મતદાર યાદી પ્રકાશિત કરી દીધી છે.
ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં બધા જ વિદેશી નાગરિકોના નામ મતદાર યાદીમાંથી હટાવતા પહેલા એક ઑગસ્ટથી આ પ્રકારના તમામ લોકોની તપાસ કરાશે. તપાસમાં જે પણ લોકોની નાગરિક્તા વિદેશી હોવાનું જણાશે તે બધાને મતદાર યાદીમાંથી બહાર કઢાશે. આ પ્રકારના ગેરકાયદે વસાહતીઓની સંખ્યા કેટલી હશે તેવા સવાલના જવાબમાં અધિકારી ચોક્કસ સંખ્યા જણાવી શક્યા નહોતા. પરંતુ તેમણે એટલું જરૂર કહ્યું કે, આવા લોકોની સંખ્યા લાખોમાં હશે.
બીજીબાજુ ચૂંટણી પંચે દાવો કર્યો કે, મતદાર યાદીને અપડેટ કરવા માટે વહેંચવામાં આવેલા એનુમરેશન ફોર્મમાંથી અત્યાર સુધીમાં ચૂંટણી પંચ પાસે ૮૦ ટકાથી વધુ ફોર્મ જમા થઈ ગયા છે. આ મતદારોએ તેમના નામ, સરનામા, જન્મ તારિખ, આધાર નંબર, મતદાર ઓળખ કાર્ડ સહિતના દસ્તાવેજો સાથે ફોર્મ જમા કરાવી દીધું છે. ચૂંટણી પંચે ફોર્મ જમા કરાવવા માટેની અંતિમ તારિખ ૨૫ જુલાઈ નિશ્ચિત કરી છે ત્યારે નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂરી થઈ જવાની ચૂંટણી પંચને આશા છે.
આ બધા જ લોકોનો ડેટા સોફ્ટવેરમાં ડાઉનલોડ કરાઈ રહ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ દસ્તાવેજોની ખરાઈ કરી રહેલા બીએલઓના ધ્યાનમાં આવ્યું છે કે બિહારમાં રહેતા વિદેશી નાગરિકોમાંથી મોટાભાગનાએ આધાર કાર્ડ, રાશન કાર્ડ અને મૂળ નિવાસીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો પણ મેળવી લીધા છે. આવા લોકોની યાદી તૈયાર કરાઈ રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ચૂંટણી પંચે ૨૫ જૂનથી બિહારના ૨૪૩ વિધાનસભા ક્ષેત્રોમાં મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કામ માટે લગભગ દોઢ લાખ બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ને ઘરે ઘરે જઈને મતદારોના દસ્તાવેજો તપાસવાની જવાબદારી સોંપાઈ છે. ચાર લાખથી વધુ સ્વયંસેવકો પણ આ કામમાં યોગદાન આપી રહ્યા છે.
ચૂંટણી અધિકારીએ દાવો કર્યો કે અનેક જગ્યાએ એક જ સરનામા પર અનેક મતદારોના નામ હોવાનું જણાયું છે જ્યારે હકીકતમાં મૂળ માલિકને આ અંગે કોઈ માહિતી જ નથી હોતી.
એક મકાન માલિકે જણાવ્યું કે, તેના ઘરમાં ચાર લોકો રહે છે જ્યારે મતદાર યાદીમાં તેના સરનામા પર ૬૮ લોકોના નામ છે. ચૂંટણી અધિકારીએ કહ્યું કે, આ રીતે ખોટા સરનામા પરના મતદારોના નામ અંતિમ મતદાર યાદીમાંથી હટાવી દેવાશે. અધિકારીએ કહ્યું કે, જે લોકોના નામ મતદારોની ડ્રાફ્ટ યાદીમાં ન હોય તે લોકો ક્રમશઃ મતદાન રજિસ્ટ્રેશન અધિકારી, જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ અપીલ કરીને પોતાના પ્રમાણપત્રો સાથે મતદાર યાદીમાં નામ ઉમેરવાનો દાવો કરી શકે છે.
ચૂંટણી પંચે વર્ષ ૨૦૦૩ પછી જે લોકોના નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા છે તે બધા જ મતદારોને તેમના દસ્તાવેજ ૩૦ ઑગસ્ટ સુધીમાં જમા કરાવવા નિર્દેશ કર્યો છે. ચૂંટણી પંચે મતદાર યાદીમાં વ્યાપક સુધારણા અભિયાન શરૂ કરતી વખતે જ મોટી સંખ્યામાં વિદેશી ઘૂસણખોરોના નામ સામેલ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
ચૂંટણી પંચે નાગરિકો પાસે આ દસ્તાવેજો માગ્યા છે
નવી દિલ્હી: ચૂંટણી પંચે રવિવારે જણાવ્યું હતું કે, બિહારની જેમ આગામી મહિનાથી સમગ્ર દેશમાં મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. બિહારમાં ચૂંટણી પંચે ૨૦૦૩ પછી મતદાર યાદીમાં નામ જોડાયું હોય તેવા લોકો પાસેથી નીચે મુજબના દસ્તાવેજો માગ્યા છે.
* માન્યતા પ્રાપ્ત શિક્ષણ બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા અપાયેલું શૈક્ષણિક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર,
* રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી), પાસપોર્ટ,
* રાજ્ય સરકાર અથવા સ્થાનિક ઓથોરિટી દ્વારા તૈયાર પારિવારિક રજિસ્ટર,
* બેન્ક, પોસ્ટ ઓફિસ, એલઆઈસી વગેરે દ્વારા ૧ જુલાઈ ૧૯૮૭ પહેલાં અપાયેલું કોઈપણ પ્રમાણપત્ર, વન અધિકારી પ્રમાણપત્ર,
* નિયમિત કર્મચારી અથવા પેન્શનધારક કર્મચારીઓનું ઓળખપત્ર, સ્થાનિક નિવાસ પ્રમાણપત્ર,
* કોઈપણ જમીન અથવા મકાન ફાળવણીનું સરકારનું પ્રમાણપત્ર, સક્ષમ ઓથોરિટી દ્વારા અપાયેલું જન્મ પ્રમાણપત્ર.
- રાજદ નેતા તેજસ્વી યાદવનો ચૂંટણી પંચ પર આક્ષેપ
- અમારું ફોર્મ જમા પણ નથી થયું, 80 ટકા ફોર્મ ભરાયાનો દાવો ખોટો
- ચૂંટણી પંચના એસઆઈઆર કાર્યક્રમ અંગે સામાન્ય નાગરિક અને બીએલઓ ભ્રમમાં : તેજસ્વી યાદવ
પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીમાં વ્યાપક સુધારણા કાર્યક્રમ મુદ્દે વિપક્ષે ચૂંટણી પંચ સામે બાંયો ચઢાવી છે. બિહારમાં ૨૫ જુલાઈની ડેડલાઈન પહેલાં 80 ટકા એનુમરેશન ફોર્મ ભરાઈ ગયા હોવાના ચૂંટણી પંચના દાવાને રાજદ નેતા અને વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે નકારી કાઢ્યો હતો.
રાજદ નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પંચના એસઆઈઆર કાર્યક્રમને માત્ર દેખાડો ગણાવ્યો હતો અને આક્ષેપ કર્યો કે આ સંપૂર્ણ કવાયત માત્ર મતદાર યાદીમાંથી નામ હટાવવાનું સંગઠિત કાવતરું છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ દાવો કરી રહ્યું છે કે ૮૦ ટકાથી વધુ ફોર્મ ભરાઈ ગયા છે જ્યારે અમારું પોતાનું ફોર્મ હજુ સુધી ભરાયું નથી. સવાલ એ છે કે આ આંકડો કેટલો સાચો છે? ચૂંટણી પંચનો દાવો સાચો હોય તો તેમાંથી કેટલા ફોર્મ સાચા અને ખરાઈ કરેલા છે? તેમણે કહ્યું કે, અનેક મતદારોને તો એ પણ ખબર નથી કે તેમના નામ પર ફોર્મ ભરાઈ ગયા છે. બીએલઓ અને સામાન્ય નાગરિક બંને આ પ્રક્રિયા અંગે ભ્રમમાં છે.
તેજસ્વી યાદવે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટની સલાહ છતાં ચૂંટણી પંચે દસ્તાવેજોની યાદીમાં કોઈ ફેરફાર નથી કર્યો. તેમણે સીધો આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે કામ કરી રહ્યું છે. ભાજપ અને તેના ટોચના નેતાઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નીતિશ કુમારના ઈશારા પર દરેક બૂથમાંથી ૧૦થી ૫૦ વોટ કાપવાનો ટાર્ગેટ અપાયો છે. એક પણ વોટ કપાશે તો તેનાથી મોટો ગુનો બીજો કોઈ નહીં હોય અને તેના જવાબદાર વડાપ્રધાન, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી હશે.