યુપી : મકબરા પર હુમલા બાદ હવે મજારની તોડફોડ, હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાતાં હોબાળો
Majar was demolished in Firozabad: ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં મકબરો તોડ્યા બાદ હવે ફિરોઝાબાદમાં પણ આવો જ એક બનાવ બન્યો છે. અહીં મલખાનપુર રોડ પર આવેલી પીર બાબાની સેંકડો વર્ષ જૂની મઝારને મંગળવાર મોડી રાત્રે અસામાજિક તત્વોએ તોડી પાડી હતી અને ત્યાં હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી દીધી હતી.
ફિરોઝાબાદમાં મઝાર તોડીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાઈ
મલખાનપુર રોડ પર આવેલી સેંકડો વર્ષ જૂની પીર બાબાની મઝાર, જ્યાં બંને સમુદાયના લોકો આસ્થા રાખે છે, તેને મંગળવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ તોડી પાડી હતી. માહોલ ખરાબ કરવાના ઈરાદે, તોડી પાડેલી મઝારનો કાટમાળ અને ઈંટો રસ્તા કિનારે મૂકી દેવામાં આવ્યા હતા અને પીર બાબાના મઝાર સ્થળે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી દેવાઈ હતી.
ગ્રામજનોમાં ભારે રોષ
આ ઘટના અંગે ગામલોકોને સવાર સુધી કોઈ જાણ નહોતી. જ્યારે સવારે ગામલોકો મઝારની સફાઈ કરવા પહોંચ્યા ત્યારે પીર બાબાની મઝાર ગાયબ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. મઝાર તોડી પાડવામાં આવી હોવાની જાણ થતા જ ઘટના સ્થળે ગ્રામજનોની ભીડ ઉમટી પડી હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: DRDO નો ગેસ્ટ હાઉસ મેનેજર પાકિસ્તાની ISI માટે જાસૂસી કરતો પકડાયો, રાજસ્થાન CIDએ ઝડપ્યો
પોલીસે ગ્રામજનોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપીને શાંત પાડ્યા
ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક હનુમાનજીની મૂર્તિને પોલીસ સ્ટેશન મોકલી આપી હતી. પોલીસે ગામલોકોને સમજાવીને શાંત કર્યા અને ખાતરી આપી કે મઝાર તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે પ્રભારી નિરીક્ષક અનુજ કુમારે જણાવ્યું કે અસામાજિક તત્વોએ પીર બાબાની મઝાર તોડી છે અને આ મામલે તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.