અહીં રેલવે સ્ટેશન પર લાગેલા ટીવી સેટમાં અચાનક ચાલુ થઇ ગઇ ‘બ્લુ ફિલ્મ’
નવી દિલ્હી,તા. 20 માર્ચ 2023, સોમવાર
બિહારની રાજધાની પટનામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. રેલવે જંકશનના પ્લેટફોર્મ પર લગાવેલા ટીવી સેટમાં અચાનક બ્લુ ફિલ્મ ચાલવા લાગી હતી. આ ઘટના બાદ ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મુસાફરો હાજર હતા.
મળતી માહિતી મુજબ પ્લેટફોર્મ પર હાજર મુસાફરોએ શરમથી માથું નીચું કરી લીધું હતું.આરપીએફએ આ શરમજનક ઘટનાને ગંભીરતાથી લીધી હતી. કેસ નોંધ્યા બાદ મામલાની તપાસ શરૂ કરી હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના પ્લેટફોર્મ નંબર 10 પર સવારે 9-10 વાગ્યાની વચ્ચે બની હતી. પ્લેટફોર્મ પરના ટીવી સેટમાં આ ફિલ્મ ચાલતી જ હતી. ત્યાં હાજર અનેક લોકોએ આ અંગે રેલવે અધિકારીઓને જાણ કરી હતી. આ પછી રેલવેમાં હોબાળો મચી ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે પટના રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા ટીવી પર લગભગ ત્રણ મિનિટ અને થોડી સેકન્ડ સુધી બ્લુ ફિલ્મ ચાલતી રહી. આ ઘટના બાદ પટના આરપીએફ ઈન્ચાર્જનો નંબર સ્વીચ ઓફ થઈ રહ્યો હતો. દત્તા કોમ્યુનિકેશન ઓર્ગેનાઈઝેશનને રેલવે સ્ટેશન પરિસરમાં માહિતી આપવા અને તસવીરો બતાવવાની જવાબદારી આપવામાં આવી હતી. આ ટીવી સેટમાં કેટલીક માહિતી બતાવવામાં આવી રહી હતી. અચાનક બ્લુ ફિલ્મ ચાલવા લાગી. દત્તા કોમ્યુનિકેશન વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.