એર ઈન્ડિયાના ફલાઈટના પ્રવાસીઓ 24 કલાકે પુણેથી દિલ્હી પહોંચ્યા
વિમાને દિલ્હી અને જયપુરના આકાશમાં ચક્કર માર્યા બાદ ગ્વાલિયરમાં ઉતરાણ
મોંઘીદાટ ટિકિટ ખરીદનારા ૧૫૦ પ્રવાસીઓ બસમાં હડદોલાં ખાતા ગ્વાલિયરથી દિલ્હી ગયા : ફ્યૂઅલ ખૂટયું અને ઉતરાણની મંજૂરી પણ ન મળીે
મુંબઈ: પુણેથી દિલ્હી એર ઇન્ડિયાની ફલાઈટમાં જવા નીકળેલા પ્રવાસીઓ ૨૪ કલાકે વાયા જયપુર અને ગ્વાલિયર થઈ દિલ્હી પહોંચ્યા હતા. તેમને ગ્વાલિયર ઉતારી દેવાયા હતા અને ત્યાંથી બસ દ્વારા દિલ્હી પહોંચાડાયા હતા.
પુણેથી એઆઈ ૮૫૦ નામની દિલ્હીની ફલાઈટ ગુરુવારે સાંજના ૬.૫૦ કલાકે રવાના થઈ હતી. પ્રવાસીઓને એમ હતું કે રાતે ૯.૦૫ ના દિલ્હી પહોંચ્યા પછી તેઓ પોતાના નક્કી સ્થળે ડીનરના સમયે પહોંચી જશે. જોકે, આ પ્રવાસ તેમના માટે દુસ્વપ્ન સમાન પુરવાર થયો હતો. તેઓ દિલ્હી પહોંચવા આવ્યા ત્યારે અચાનક એનાઉન્સમેન્ટ થયું હતું કે ખરાબ હવામાનના કારણે તેમને દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરવાની મંજૂરી મળી રહી નથી. આથી, હવે ફલાઈટ જયપુર ડાઈવર્ટ કરવામાં આવી રહી છે.
એ પછી પણ ક્યાંય સુધી જયપુર એરપોર્ટનું નામોનિશાન દેખાયું ન હતું. છેવટે રાતના સાડા બાર વાગ્યાના અંધારામાં ફલાઈટ ગ્વાલિયર ઉતારવામાં આવી હતી.
તેમને ત્રણ કલાક ફલાઈટમાં જ બેસાડી રાખી રાતે સાડા ત્રણ વાગ્યે ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા. એવું બહાનું અપાયું હતું કે ગ્વાલિય એરપોર્ટ એરફોર્સ હસ્તક હોવાથી તેમના તરફથી ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી મળી ન હતી. પ્લેનમાં ફ્યૂઅલ પણ ખૂટયું હોવાનું કહેવાય છે. ગ્વાલિયમાં તેમાં ફ્યૂઅલ રીફીલ કરાયું હતું. ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવાસીઓને કહી દેવાયું હતું કે ફલાઈટ ટેકનિકલ ખામીના કારણે ઊડી શકે તેમ નથી. આ થી પ્રવાસીઓ કાં તો હોટલમાં જતા રહે નહિંતર જેમને દિલ્હી જવું હોય તેમના માટે બસની વ્યવસ્થા કરી દેવામાં આવશે. બહુ વિલંબ બાદ બસો આવી હતી અને તેમાં અથડાતા કૂટાતા પ્રવાસીઓ પુણેથી રવાના થયાના ૨૪ કલાક બાદ દિલ્હી પહોંચ્યા હતા.
એસી અને લાઈટ્સ બંધ કરી ફલાઈટમાં ત્રણ કલાક અંધારામા ંબેસાડી રખાયા
ગ્વાલિયર એરપોર્ટ પર મધરાતે વિમાન ઉતર્યું હતું. જોકે, વિમાનમાં ફ્યૂઅલ ન હતું અને પ્રવાસીઓની મંજૂરી બાબતે પણ કોઈ ઔપચારિક કાર્યવાહીમાં વિલંબ થયો હતો. આથી, પ્રવાસીઓને તત્કાળ ટર્મિનલમાં રવાના કરવાને બદલે ફલાઈટમાં જ ત્રણ કલાક સુધી બેસાડી રખાયા હતા. ફલાઈટની તમામ સ્વીચ ઓફ કરી દેવાઈ હતી અને એસી પણ બંધ કરી દેવાયું હતું. પ્રવાસીઓએ ભારે યાતના સાથે પરોઢ સુધીનો સમય વીતાવ્યો હતો. કલાકો બાદ માત્ર દરવાજા ખોલવામાં આવ્યા હતા. તે પછી પ્રવાસીઓને ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા.