For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હાશ... 12મી મેથી પેસેન્જર ટ્રેન શરૂ : આજથી રિઝર્વેશન

- દેશના જુદાજુદા શહેરોને જોડતા 15 રૂટ પર ટ્રેનો દોડશે

- માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી રિઝર્વેશન

Updated: May 10th, 2020

Article Content Image

- તમામ વિશેષ ટ્રેન નવી દિલ્હીથી શરૂ થશે

- કન્ફર્મ ટિકિટ હશે તેને જ સ્ટેશનમાં પ્રવેશ, પ્રવાસી માટે માસ્ક પહેરવું ફરજિયાત

- ઉધરસ, શરદી અને તાવવાળાને પ્રવાસની મંજૂરી નહીં

- પ્રવાસીઓએ રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે

નવી દિલ્હી, તા. 10 મે 2020, રવિવાર

ભારતીય રેલવેએ અંતે મંગળવારથી વિશેષ ટ્રેનો તરીકે પેસેન્જર ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવે શરૂઆતમાં ૧૫ રૂટ પર ટ્રેન દોડાવશે. ટ્રેનોનું બૂકિંગ સોમવારથી શરૂ થશે. આ ટ્રેનોનું બૂકિંગ આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી થઈ શકશે. આ ટ્રેનના બધા જ કોચ એસી હશે તેમજ રૂટ પરના સ્ટોપે જ પણ મર્યાદિત હશે. આ વિશેષ ટ્રેનમાં પ્રવાસ માટે રાજધાની જેટલું ભાડું ચૂકવવું પડશે. કોરોના વાઈરસના કારણે રેલવેએ મહત્વપૂર્ણ પગલું ભરતાં દેશમાં ૨૫મી માર્ચે લૉકડાઉન અમલમાં આવ્યું તે પહેલાં જ ૨૨મી માર્ચે અડધી રાતથી જ પેસેન્જર ટ્રેનો બંધ કરવાની જાહેરાત કરી દીધી હતી. જોકે, પાછળથી લૉકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય કામદારોને વતન લઈ જવા માટે રેલવેએ શ્રમિક વિશેષ ટ્રેનો શરૂ કરી હતી.    

દેશમાં લૉકડાઉનના ત્રીજા તબક્કામાં વ્યાપકપણે છૂટછાટો અપાયા પછી રેલવેએ વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય કામદારો માટે શ્રમિક વિશેષ ટ્રેનો દોડાવવાનું શરૂ કર્યું હતું. જોકે, હવે રેલવે વિભાગે તબક્કાવાર ટ્રેનોના સંચાલનને નિયમિત કરવા તરફ આગળ વધવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે રેલવે ૧૨મી મે એટલે કે મંગળવારથી વિશેષ ટ્રેન તરીકે ૧૫ રૂટ પર પેસેન્જર ટ્રેનો દોડાવશે. આ બધી જ ટ્રેનો રાજધાની હશે, જેના માટે પ્રવાસીઓએ ઊંચું ભાડું ચૂકવવું પડશે. આ ટ્રેનોમાં માત્ર એસી કોચ હશે. વધુમાં રેલવે દ્વારા ૧૮મી મેથી ટ્રેનના રૂટ  વધારવામાં આવે તેવી પણ સંભાવના છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 

રેલવે દ્વારા મંગળવારથી શરૂ થનારી આ ટ્રેનો દિબુ્રગઢ, અગરતલા, હાવરા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગ્લુરુ, ચેન્નઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને નવી દિલ્હી સાથે જોડતી વિશેષ ટ્રેનો રૂપે ચલાવાશે. જોકે, આ ટ્રેનોના સંચાલનમાં રેલવેને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

રેલવેએ આ વિશેષ ટ્રેનોમાં પ્રવાસ માટે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે. રેલવેએ જણાવ્યું હતું કે આ બધી જ ટ્રેનોનું બૂકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટ ઉપરથી સોમવારે સાંજે ૪.૦૦ વાગ્યાથી શરૂ થશે. રેલવે સ્ટેશનો પરના કોઈપણ બૂકિંગ કાઉન્ટર ખોલવામાં આવશે નહીં તેમજ પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈપણ કાઉન્ટર ટિકિટ આપવામાં આવશે નહીં. માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા પ્રવાસીઓને જ રેલવે સ્ટેશનોમાં પ્રવેશ અપાશે. પ્રવાસીઓ માટે ચહેરા પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે.

વધુમાં ટ્રેન રવાના થાય તે સમયે પ્રવાસીઓએ સ્ક્રિનિંગમાંથી પસાર થવું પડશે અને માત્ર કોરોનાના લક્ષણ ન હોય તેવા જ પ્રવાસીઓને ટ્રેનમાં જવાની મંજૂરી અપાશે. ભારતીય રેલવે કોરોના વાઈરસ કેર સેન્ટર્સ માટે ૨૦,૦૦૦ જેટલા કોચને અનામત રાખ્યા પછી ઉપલબ્ધ કોચના આધારે નવા માર્ગો પર વધુ વિશેષ સેવાઓ શરૂ કરશે. આ સિવાય રેલવે વધારાની શ્રમિક વિશેષ ટ્રેન તરીકે ૩૦૦ ટ્રેનના સંચાલન માટે પણ અલગથી કોચ ફાળવશે.

Gujarat