INDIGO ની ફ્લાઈટમાં કારણ વિના લાફો ઝીંક્યો, આરોપી મુસાફરની ધરપકડ, VIDEO વાઈરલ
Passenger slapped In Indigo Flight: મુંબઈથી કોલકાતા જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ફ્લાઈટની અંદર બીજા મુસાફર સાથે મારપીટ કરતો જોવા મળી રહ્યો છે. ફ્લાઈટમાં બનેલી આ ઘટના બાદ એરલાઈન કંપનીએ મુસાફર સામે કાર્યવાહી કરી અને લેન્ડિંગ બાદ તેને સુરક્ષા એજન્સીને સોંપી દીધો હતો.
જાણો શું છે મામલો
અહેવાલો અનુસાર, મુંબઈથી કોલકાતા જતી ઈન્ડિગો ફ્લાઇટ નંબર 6E 138માં એક મુસાફરને પેનિક એટેક આવ્યો હતો, ત્યારબાદ એર હોસ્ટેસે તેની સંભાળ રાખવાનું શરૂ કર્યું. જ્યારે એર હોસ્ટેસ યુવાનને તેની સીટ પર લઈ જઈ રહી હતી. આ દરમિયાન એક વ્યક્તિએ પેનિક એટેક આવેલા મુસાફરને કારણ વિના લાફો ઝીંક્યો હતો. એર હોસ્ટેસે તેને થપ્પડ મારનાર મુસાફરને રોકવાનો પ્રયાસ કર્યો. આ સમગ્ર ઘટના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
આ ઘટનાની ઇન્ડિગોએ સખત નિંદા કરી
વાઈરલ વીડિયોની સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે. ઈન્ડિગોએ આખરે આ મામલે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'ઈન્ડિગોએ ફ્લાઇટમાં હાજર ક્રૂએ સુરક્ષા એજન્સીઓને મુસાફરના આ વર્તન વિશે જાણ કરી હતી. આ પ્રકારનું અસભ્ય અને અયોગ્ય વર્તન અસ્વીકાર્ય છે. અમે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)હેઠળ કાર્યવાહી કરી છે.'
આરોપી મુસાફરની ધરપકડ
ફ્લાઇટમાં મુસાફરને થપ્પડ મારનાર આરોપીની ઓળખ હાફિઝુલ રહેમાન તરીકે થઈ છે. ફ્લાઇટ કોલકાતા પહોંચી ત્યારે તેને પહેલા CISFને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને એરપોર્ટ પર સ્થિત NSCBI પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં બિધાનનગર પોલીસે તેની ધરપકડ કરી હતી.