- હોબાળાને કારણે લોકસભાના 84 કલાકો વેડફાયા
- સંસદનું ચોમાસુ સત્ર સરકાર અને દેશ માટે ફળદાયી રહ્યું જ્યારે વિપક્ષ માટે નિષ્ફળ રહ્યું : રિજિજુ
નવી દિલ્હી: આજે સમાપ્ત થયેલા અને એક મહિના સુધી ચાલેલા સંસદના ચોમાસુ સત્રમાં બિહારમાં મતદાર યાદીઓની ચાલી રહેલી ખાસ સઘન સુધારા (એસઆઇઆર) અંગે બંને ગૃહોમાં દરરોજ વિક્ષેપ જોવા મળ્યો હતો.
ચોમાસુ સત્રમાં વિપક્ષના હોબાળા અને વોકઆઉટ છતાં લોકસભામાં ૧૨ અને રાજ્યસભામાં ૧૫ બિલો પસાર
વિપક્ષ દ્વારા દરરોજ હોબાળો કરવામાં આવતો હોવા છતાં સરકાર પોતાના એજન્ડા પર આગળ વધતી રહી હતી અને વિક્ષેપો વચ્ચે બિલો પસાર કરવામાં આવ્યા હતાં.
ગંભીર અપરાધોમાં ધરપકડ કરાયેલા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોને હટાવવાની જોગવાઇ ધરાવતું બિલ ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવતા ઉગ્ર ચર્ચા શરૂ થઇ ગઇ હતી.
અમિત શાહ બિલ રજૂ કરવા માટે આગળ આવ્યા કે તરત જ હોબાળો વધી ગયો હતો. વિરોધ પક્ષના સાંસદોએ આ બિલની નકલો ફાડી નાખી હતી જેના કારણે સત્તા અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતાં.
હોબાળાના કારણે સંસદના ચોમાસુ સત્રમાં ૮૪ કલાક વેડફાઇ ગયા હતાં. ૧૮મી લોકસભામાં કોઇ એક સત્રમાં વેડફાયેલા આ સૌથી વધુ કલાકો છે. ૨૧ જુલાઇએ શરૂ થયેલા સંસદના ચોમાસુ સત્રમાં ૩૭ કલાક ૭ મિનિટ કાર્ય થયું હતું.
વિપક્ષના હોબાળા, વોકઆઉટની વચ્ચે લોકસભામાં ૧૨ અને રાજ્યસભામાં ૧૫ બિલો પસાર કરવામાં આવ્યા હતાં. વિપક્ષના હોબાળા અંગે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સાંસદોની વર્તણૂક બિનસંસદીય હતી. તેમણે વિપક્ષના હોબાળાને કમનસીબ ગણાવ્યો હતો.
આ દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સંસદના ચોમાસુ સત્રને સરકાર અને દેશ માટે ફળદાયી અને વિરોધ પક્ષ માટે નિષ્ફળ ગણાવ્યું હતું.


