Get The App

સંસદ ઠપ થતાં કલાકદીઠ રૂ. 2.25 કરોડનું નુકસાન! ચોમાસુ સત્રમાં રૂ. 190 કરોડ ડુબાડ્યા, હવે શિયાળુ સત્રમાં પણ એ જ દશા

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
Parliament session disruption

Massive Loss to Taxpayers: Parliament’s Working Hours Drop, ₹2.25 Crore Lost Every Hour | ભારતીય સંસદનું શિયાળુ સત્ર પણ ચોમાસુ સત્રની જેમ અસ્થિર અને અવ્યવસ્થિત વાતાવરણ સાથે શરૂ થયું છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ને મુદ્દે લોકસભામાં વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવતાં સોમવારે કામકાજ અટકાવવામાં આવ્યું હતું અને ગૃહને આખા દિવસ માટે સ્થગિત કરવું પડ્યું હતું. મંગળવારે પણ પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થયો. નારાબાજી તથા સૂત્રોચ્ચારને કારણે ફરીથી કામ સ્થગિત કરવું પડ્યું. આ પ્રકારે કામગીરીમાં અવરોધ થવાથી દેશને ભારે આર્થિક બોજ વેઠવો પડે છે; એક સત્રનું નુકસાન કરોડો રૂપિયા સુધી પહોંચી જાય છે.

ચોમાસુ સત્રમાં 35 % કામગીરી પણ ન થઈ! 

21 જુલાઈથી 21 ઓગસ્ટ, 2025 સુધી ચાલેલા ચોમાસુ સત્ર દરમ્યાન પણ સંસદીય કામગીરી પર હોબાળાનો ગંભીર પ્રભાવ પડ્યો હતો. ત્યારે વિપક્ષ દ્વારા ઓપરેશન સિંદૂર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હતી, જેના પરિણામે ગૃહની ઉત્પાદકતા ઘટી હતી. બે પૈકી એકપણ ગૃહની કામગીરી 35 % પણ ન હતી થઈ શકી. 

• સત્ર દરમિયાન લોકસભાએ કુલ 37.1 કલાક અને રાજ્યસભાએ 49.9 કલાક કામ કર્યું.

• પ્રશ્નકાળ દરમિયાન લોકસભામાં 4.7 કલાક અને રાજ્યસભામાં 1.2 કલાક કામ કર્યું.

• વિધાયક કાર્યો દરમિયાન લોકસભામાં 2.9 કલાક અને રાજ્યસભામાં 13.4 કલાક કામ કર્યું.

• અન્ય કાર્યો દરમિયાન લોકસભામાં 4.7 કલાક અને રાજ્યસભામાં 9 કલાક કામ કર્યું.

• સત્ર દરમિયાન બિન-વિધાયક કાર્ય લોકસભામાં 24.6 કલાક અને રાજ્યસભામાં 18.3 કલાક કામ કર્યું.

• ચોમાસુ સત્ર દરમિયાન લોકસભાની ઉત્પાદકતા 29% અને રાજ્યસભાની ઉત્પાદકતા 34% રહી હતી.

કલાકોનો સમય વ્યર્થ ગયો 

ચોમાસુ સત્ર દરમ્યાન લોકસભાએ 126 કલાક કામ કરવું જોઈતું હતું, એને બદલે માત્ર 37.1 કલાક જ કાર્ય થયું. એટલે કે, લગભગ 89 કલાક નકામા ગયા. તે જ રીતે, રાજ્યસભામાં ફક્ત 49.9 કલાકનું કામ થતાં 76 કલાકથી વધુનો સમય વ્યર્થ ગયો હતો. આ આંકડાઓ સંસદમાં થતી સમયની બર્બાદી અને કામની અસ્થિરતાની ગંભીરતા દર્શાવે છે.

જનતાના 190 કરોડ રૂપિયાનો ધુમાડો! કલાકના સવા બે કરોડનું નુકસાન! 

સંસદની દરેક મિનિટ ખર્ચાળ હોય છે. વર્ષ 2012માં સરકાર પાસેથી જ મળેલી માહિતી મુજબ, લોકસભાની એક મિનિટની કાર્યવાહી પર લગભગ 2.5 લાખ રૂપિયા અને રાજ્યસભાની એક મિનિટ પર 1.25 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. એટલે કે લોકસભામાં પ્રતિ કલાક 1.5 કરોડ અને રાજ્યસભામાં પ્રતિ કલાક 75 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. આ હિસાબે જોઈએ તો 2025ના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં બગડેલા સમયને કારણે 133 કરોડ રૂપિયા અને રાજ્યસભા માટે 57 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. એટલે કે, સંસદમાં થતા હોબાળાને કારણે જનતાના કુલ 190 કરોડ રૂપિયાનો ધુમાડો થઈ ગયો હતો. એક કલાકના અવરોધની કિંમત લગભગ 2.25 કરોડ રૂપિયા બેસે છે.

શિયાળુ સત્રમાં પણ અવરોધ-પરંપરા ચાલુ 

હાલમાં ચાલુ શિયાળુ સત્રમાં પણ પરિસ્થિતિમાં કોઈ પરિવર્તન દેખાતું નથી. SIR અને અન્ય મુદ્દાઓ પર મતભેદને કારણે કાર્યવાહી અટકી પડી છે. વિપક્ષ આ પ્રસ્તાવને 'મતચોરીની યુક્તિ' ગણાવી રહ્યું છે, જ્યારે સરકારીપક્ષ નિયત સમયમાં ચર્ચા પૂર્ણ કરવા માંગે છે. આવા સામસામા અડિયલ રવૈયાને કારણે સંસદનું કામકાજ લગભગ ઠપ પડી ગયું છે.

લોકશાહીના મંદિરમાં વ્યવસ્થિત વ્યવહારની આવશ્યકતા

સંસદ એ ચર્ચા, વિચાર-વિનિમય અને નીતિ નિર્માણનું કેન્દ્ર છે, પરંતુ સતત અવરોધો અને હોબાળાને કારણે આ મહત્વપૂર્ણ સંસ્થાની પ્રતિષ્ઠા અને કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભા થાય છે. જનતાના નાણાંનો મોટા પ્રમાણમાં વ્યય, મૂલ્યવાન સમયનો નાશ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાનો અભાવ– આ બધું લોકશાહીને નુકસાન પહોંચાડે છે. રાજનૈતિક પક્ષોએ વિધિવત ચર્ચા માટે સંવાદ અને સહમતિનો માર્ગ અપનાવવો આવશ્યક છે, જેથી સંસદમાં સમયસર કામ થાય અને જનતાના નાણાંનો દુરુપયોગ અટકે.