Get The App

સરકારે એસઆઇઆર સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માંગ ફગાવી

સંસદનાં સત્રમાં સરકારી કામકાજની માહિતી ન આપવા સામે પણ વિરોધ પક્ષે વાંધો ઉઠાવ્યો હતો

બજેટ સત્રની પૂર્વસંધ્યાએ યોજાયેલી સર્વપક્ષીય બેઠક

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
સરકારે એસઆઇઆર સહિતના મુદ્દાઓ પર ચર્ચાની માંગ ફગાવી 1 - image

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૭

બુધવારથી શરૃ થઇ રહેલા સંસદનાં બજેટ સત્રમાં વીબી-જી આરએએમ જી એક્ટ (વિકસિત ભારત - ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ) અને એસઆઇઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પર ચર્ચા કરવાની વિપક્ષની માંગણીઓને સરકારે મંગળવારે ફગાવી દીધી હતી.

સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે આ બંને મુદ્દાઓ પર  બંને ગૃહો દ્વારા ચર્ચા થઇ ગઇ છે અને અમે ફરીથી આ મુદ્દે ચર્ચા કરવા માંગતા નથી.

રિજિજુએ આ ટિપ્પણી સંસદના બજેટ સત્રની પૂર્વસંધ્યાએ સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પછી કરી હતી.

બેઠક દરમિયાન કોંગ્રેસનાં જયરામ રમેશ અને સીપીઆઇ(એમ)ના જોન બ્રિટાસ સહિત વિપક્ષી સભ્યોએ સત્ર માટે સરકારી કામકાજની માહિતી ન આપવા બદલ પણ વાંધો ઉઠાવ્યો હતો. જે અંગે પ્રધાને જણાવ્યું હતું કે યોગ્ય સમયે આ માહિતી આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી સભ્યો મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર), એમજીએનઆરઇજીએ યોજનાનું સ્થાન લેનાર રોજગાર ગેરંટી અંગેના વીબી-જી આરએએમ જી એક્ટ, અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલ ટેરિફ, વિદેશી નીતિના મુદ્દાઓ, વાયુ પ્રદૂષણનો મુદ્દો, અર્થતંત્રની સ્થિતિ, ઓછી ઉંમરના કિશોરો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતા હતાં.

વીબી-જી આરએએમ જી એક્ટ અંગે વિપક્ષના વિરોધ અંગે પ્રધાને જણાવ્યું હતું કે  એક વખત જો કોઇ કાયદો દેશ સામે આવે છે તો આપણે તેનું પાલન કરવાનું હોય છે. અમે ગિયર રિવર્સ કરીને પાછા જઇ શકીએ તેમ નથી.