પાનકાર્ડને આધારકાર્ડ સાથે 30મી જૂન સુધી લિન્ક કરાવવું જરૂરી, નહીં તો ચૂકવવો પડશે દંડ
પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવામાં વિલંબ માટે લેવાતા દંડને નિર્મલા સીતારમણનું સમર્થન
TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે
નવી દિલ્હી, તા. 6 એપ્રિલ 2023, ગુરુવાર
કેન્દ્ર સરકારે આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવાનું 31 માર્ચ, 2022 સુધી ફ્રીમાં કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ 1 એપ્રિલ, 2022થી તેના પર 500 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જે જુલાઈ મહિનામાં વધારીને 1000 રૂપિયા કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવામાં વિલંબ માટે લેવાતા દંડને સમર્થન આપ્યુ છે. અને જો 30 જૂન 2023 સુધીમાં PAN કાર્ડને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો તે રદ થઈ જશે.
સમયમર્યાદા સમાપ્ત થતા દંડમાં વધારો કરવામાં આવશે
આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં નાણામંત્રીએ કહ્યું કે અગાઉ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માટે ઘણો સમય આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં PAN ને આધાર સાથે લિંક કરી દેવુ જોઈએ. જેઓએ અત્યાર સુધી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કર્યું, તેઓએ તરત જ આ કામ કરવું જોઈએ. જો નિયત સમયમર્યાદા સમાપ્ત થઈ જાય છે, તો દંડમાં વધારો કરવામાં આવશે.
પાનકાર્ડ 1 જુલાઈ, 2023થી નિષ્ક્રિય થઈ જશે
નાણાં મંત્રાલય દ્વારા 28 માર્ચે જારી કરાયેલા નિવેદન મુજબ, TDS અને TCS સંબંધિત સમસ્યાઓથી બચવા માટે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેના આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરાવવું જરૂરી છે. જે લોકો આવું નહીં કરે તો તેમનું પાનકાર્ડ રદ થઈ જશે અને તેમને TDS અને TCS ક્લેમ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઇન્કમટેક્ષ એક્ટ 1961 હેઠળ જે લોકોના નામે 1 જુલાઈ, 2017 સુધી પાનકાર્ડ જારી કરવામાં આવ્યા છે અને તેઓ આધારકાર્ડ માટે પાત્ર છે, તેઓએ 31 માર્ચ, 2023 સુધીમાં આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક કરાવવું જોઈએ. હાલમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. જેમણે તેમના આધારકાર્ડ અને પાનકાર્ડને લિંક નથી કરાવ્યું તેમનું પાનકાર્ડ 1 જુલાઈ, 2023થી રદ થઈ જશે.