Get The App

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા 1 - image


- તૂર્કીયેથી પાકે. આયાત કરેલા બારૂદ વગરના 400 ડ્રોનનો 'ઓપરેશન સિંદૂર'એ ભૂક્કો બોલાવ્યો

- સરહદે યુદ્ધના છમકલા

- ચીન, રશિયા અને અમેરિકાએ પાક.ને મદદ કરવાનું ટાળ્યું : ભારતની તાકાતનો પરચો મળતા એકપક્ષીય 'યુદ્ધ વિરામ'ની શક્યતા !!!

- પાકિસ્તાને તેના એરપોર્ટ અને પેસેન્જર ફ્લાઈટ્સને બંધ કર્યા નથી અને ભારત પર હુમલા સમયે તેમનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાથી રઘવાયા બની ગયેલા પાકિસ્તાને ગુરૂવારે ભારતના ૩૫ અને શુક્રવારે જમ્મુ-કાશ્મીર અને પંજાબના ૨૦ શહેરો પર કુલ ૬૦૦થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ મોટાભાગના ડ્રોન્સનો સફાયો કરી દીધો હતો. આ સિવાય પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટે તેના નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો હતો. જોકે, ભારતે સચોટ રીતે માત્ર પાકિસ્તાનના ડ્રોન્સને તોડી પાડયા હતા. બીજીબાજુ ભારતના હુમલાથી ગભરાઈ ગયેલા પાકિસ્તાને ચીન, અમેરિકા, રશિયા સહિતના દેશો સમક્ષ મદદ માગી હતી, પરંતુ બધા દેશોએ પાકિસ્તાનને મદદ કરવાનું ટાળ્યું છે.

ભારતના ઓપરેશન સિંદૂર પછી રઘવાયા બનેલા પાકિસ્તાને ગુરુવારે રાતે ઉત્તરીય અને પશ્ચિમી ભારતના ૩૫ જેટલા શહેરોમાં અનેક સૈન્ય સ્થળો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ બધા જ હુમલાને નિષ્ફળ બનાવી દીધા હતા. આ ઘટના પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે શુક્રવારે સાંજે ૫.૦૦ કલાકે ઔપચારિક પ્રેસ બ્રિફિંગ કર્યું હતું.

કર્નલ સોફિયા કુરેશીએ એક તસવીર દર્શાવીને પાકિસ્તાનની પોલ ખોલી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન હુમલાના સમયે પેસેન્જર વિમાનોનો ઢાલ તરીકે ઊપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં પ્રવાસી વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હોવા છતાં હુમલાઓ વચ્ચે પ્રવાસી વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ કરાવવામાં આવી રહ્યું છે. પ્રવાસી વિમાનો વચ્ચેથી પાકિસ્તાન મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનને આ પ્રકારના કાયરતાપૂર્ણ કૃત્યો માટે ચેતવણી આપી છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું કે, પાકિસ્તાને ગુરુવારે મિસાઈલ અને ડ્રોન મારફત ભારતના ૩૫ સ્થળોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીર અને પંજાબના ૨૦ શહેરો પર ડ્રોન ઝીંક્યા હતા, જો કે આ તમામ ડ્રોનને ભારતીય ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયા હતા. પાકિસ્તાને આ હુમલામાં મોટાભાગે તુર્કીયેમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો. પ્રારંભિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પાકિસ્તાને તુર્કીયેમાં બનેલા એસિસગાર્ડ સોનગાર ડ્રોનનો ઉપયોગ કર્યો છે. ભારતીય એરફોર્સે આ હુમલાનો તાત્કાલિક જવાબ આપતા એક ડ્રોન કાઉન્ટર એટેક કર્યો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર વ્યવસ્થાનો નાશ કરી દેવાયો હતો. પાકિસ્તાની સેનાને આ જવાબી કાર્યવાહીથી ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત પાકિસ્તાને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ચકાસવા માટે દારૂગોળા વિનાના ડ્રોનથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનનો આશય લોકોમાં ભય ફેલાવાવનો તેમજ ભારતીય સૈન્ય સ્થળો અંગે માહિતી એકત્ર કરવાનો હતો. જોકે, ભારતે તેના બધા જ ડ્રોનને તોડી પાડયા હતા. પાકિસ્તાનના હુમલાના જવાબમાં ભારતે ચાર પાકિસ્તાની એર ડિફેન્સ સાઈટ્સ પર હુમલો કરી એક એર ડિફેન્સ રડારનો નાશ કર્યો હતો.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ગુરુવારે ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલા કર્યા હતા અને તેનો દોષ ભારતીય આર્મ્ડ ફોર્સીસ પર ઢોળવાનો 'હાસ્યાસ્પદ' દાવો કર્યો હતો. પાકિસ્તાને અમૃતસરમાં એક ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એવો દાવો કર્યો કે ભારતે પોતે જ પોતાના શહેરોમાં ધાર્મિક સ્થળો પર હુમલા કર્યા છે. આવો દાવો 'વિકૃત કલ્પના'થી વિશેષ કશું જ નથી અને તે પણ માત્ર પાકિસ્તાન જ કરી શકે તેમ છે. વિદેશ સચિવે કહ્યું કે, પાકિસ્તાને ૭ મેના રોજ પૂંછ, રાજૌરી, તંગધાર અને ઉરી જેવા ક્ષેત્રોમાં ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં કેટલાક જવાનોને ઈજા પહોંચી છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં વિશેષરૂપે પૂંછના એક ગુરુદ્વારાને નિશાન બનાવ્યું હતું. પૂંછમાં એક કોન્વેન્ટ સ્કૂલ પર હુમલો કર્યો, જેમાં બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાઓએ નાગરિકોમાં ભય પેદા કરી દીધો છે. અનેક પરિવારોએ સુરક્ષિત સ્થળોમાં પલાયન કર્યું છે.

Tags :