તણાવ વચ્ચે ભારત-પાકિસ્તાન બોર્ડર પર મોટી કાર્યવાહી, રાજસ્થાનમાં પાક. સૈનિક પકડાયો
India-Pakistan Tension : પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. આ દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સે (BSF) રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન ઈન્ટરનેશનલ બોર્ડરથી એક પાકિસ્તાની સૈનિકને કસ્ટડીમાં લીધો છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી શનિવાર થઈ હતી. રાજસ્થાન ફ્રન્ટિયરની બીએસએફ યુનિટે આ પાકિસ્તાની સૈનિકને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે ભારતીય બોર્ડરમાં કેવી રીતે પહોંચ્યો.
BSF કોન્સટેબલ પાકિસ્તાનની કસ્ટડીમાં
નોંધનીય છે કે, ગયા અઠવાડિયે, BSFનો કોન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શો ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાનમાં ઘૂસી ગયો હતો, જે પછી પાકિસ્તાનના સૈનિકોએ તેને કસ્ટડીમાં લીધો હતો. પૂર્ણમ અઠવાડિયાથી વધુ સમયથી પાકિસ્તાનની કસ્ટડીમાં છે. ભારતીય સેનાના આકરા વિરોધ છતાં પાકિસ્તાને તેને પરત સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. ભારતે આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને બીએસએફ જવાનને તાત્કાલિક મુક્ત કરવાની માગ કરી હતી, પરંતુ પાડોશી દેશ તરફથી કોઈપણ પ્રકારની સકારાત્મક પ્રતિક્રિયા આવી નથી. તેની સલામત મુક્તિ અંગે આઠ દિવસ કરતા વધુ સમયથી વાટાઘાટો ચાલી રહી છે.
પાકિસ્તાન સાથે વધ્યો તણાવ
BSFના અધિકારીઓને પાકિસ્તાની સૈન્ય તરફથી વારંવાર એક જ જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના સૈનિકો મુજબ, તેઓ તેમના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશોની રાહ જોઈ રહ્યા છે. નોંધનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તણાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ હુમલાના એક દિવસ બાદ જ પૂર્ણમ કુમાર ભૂલથી પાકિસ્તાન જતો રહ્યો હતો. જે પછી પાકિસ્તાની સૈનિકોએ તેની અટકાયત કરી હતી.