Get The App

પહલગામ હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
પહલગામ  હુમલામાં પાક.ના સંગઠન તોયબાનો હાથ હતો : યુએન રિપોર્ટ 1 - image


- આતંકવાદ મુદ્દે પાક. આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લુ પડયું

- તોયબાની મદદ વગર ટીઆરએફ જેવું સંગઠન પહલગામ હુમલાને અંજામ ના આપી શકે : સુરક્ષા પરિષદ

સંયુક્ત રાષ્ટ્રો : એપ્રીલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૬ પર્યટકોનો ભોગ લેનારા આતંકી હુમલાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રિપોર્ટ સામે આવી છે. જેમાં પાકિસ્તાનને આડેહાથ લેવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે લશ્કર-એ-તોયબાના સમર્થન વગર પહલગામ જેવો હુમલો શક્ય જ નથી. આ હુમલો ટીઆરએફ દ્વારા કરાયો હતો જે લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલુ સંગઠન છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની રિપોર્ટમાં પ્રથમ વખત ટીઆરએફ સંગઠનનો ઉલ્લેખ કરાયો છે, જેણે પહલગામ આતંકી હુમલાની જવાબદારી સ્વીકારી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના સમર્થનથી જ પહલગામ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલો કરનારું સંગઠન ટીઆરએફ અને લશ્કર-એ-તોયબા બન્ને એકબીજા સાથે મળેલા છે. પહલગામ હુમલામાં હાથ ના હોવાનો પાકિસ્તાન અનેક વખત દાવો કરી ચુક્યું છે. એવામાં હવે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરીષદે જ પાક.ના આ દાવાની પોલ ખોલી નાખી છે. પહલગામ હુમલાની આ રિપોર્ટ આતંકવાદ મુદ્દે પાક.ને આંતરરાષ્ટ્રીય સ્તરે ભીસમાં લેવા માટે ભારતને બહુ ઉપયોગી સાબિત થઇ શકે છે.

આ રિપોર્ટ તૈયાર કરનારી સુરક્ષા પરિષદમાં ચીન કાયમી સભ્ય છે જે આતંકવાદ મુદ્દે પાક.ને સમર્થન આપતું આવ્યું છે પરંતુ પહલગામ હુમલાને લઇને પાક.ની સંડોવણી જાહેર કરતા આ રિપોર્ટને લઇને ડ્રેગને વિરોધ નથી કર્યો. જોકે પરિષદના એક સભ્ય દેશે દાવો કર્યો હતો કે લશ્કર-એ-તોયબા હવે નિષ્ક્રિય થઇ ચુુક્યું છે. નોંધનીય છે કે વિદેશમંત્રી એસ. જયશંકરે સંસદમાં જણાવ્યું હતું કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પહલગામ હુમલા પર ચર્ચા થઇ રહી હતી ત્યારે પાકિસ્તાને હુમલાખોર સંગઠન ટીઆરએફનું નામ નિવેદનમાંથી હટાવવા પુરા પ્રયાસ કર્યા હતા.

Tags :