ભારતમાં પાકિસ્તાની ન્યુઝ ચેનલ્સ અને સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી પ્રતિબંધ હટ્યો
India-Pakistan News: 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK)માં 9 જેટલા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. તેની સાથે જ ભારતે પાકિસ્તાની ન્યુઝ ચેનલ્સ અને સેલિબ્રિટીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ હવે આ પ્રતિબંધને હટાવી દેવાયો છે. જેને લઈને પાકિસ્તાનની ન્યુઝ ચેનલ્સ અને સેલિબ્રિટીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફરી એકવાર ઓનલાઇન એક્ટિવ થઈ ગયા છે. જોકે, સરકાર તરફથી પ્રતિબંધ હટાવવાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
બુધવારે, અનેક પાકિસ્તાની ફિલ્મ અને ટીવી એક્ટર્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ભારતમાં ફરીથી દેખાવા લાગ્યા, જેમાં સબા કમર, માવરા હોકેન, અહદ રઝા મીર, હાનિયા આમિર, યમુના જૈદી અને દાનિશ તૈમૂરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામેલ છે. આ તમામ એકાઉન્ટ્સને પહલગામ હુમલા બાદ ભારત સરકાર દ્વારા બ્લોક કરાયા હતા.
આ સિવાય Hum TV, ARY Digital અને Har Pal Geo જેવી પાકિસ્તાની ન્યુઝ અને એન્ટરટેનમેન્ટ ચેનલોના યુટ્યુબ પ્લેટફોર્મ્સ પણ ભારતમાં ફરીથી સ્ટ્રીમિંગ થઈ રહ્યા છે.
16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ્સ પર લાગ્યો હતો પ્રતિબંધ
પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટના બાદ ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેમાં Dawn News, Samaa TV, ARY News અને Geo News જેવી ટોચની ચેનલ્સ સામેલ હતી. આ ચેનલ્સ પર ભારત વિરોધી દુષ્પ્રચાર, ખોટી માહિતી અને સાંપ્રદાયિક રીતે ભડકાઉ કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ હતો. સૂત્રોના અનુસાર, આ ચેનલ્સે ભારતીય સેના, સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવીને માહોલને વધુ તંગ કરવાના પ્રયાસ કર્યા હતા. આ પ્રતિબંધિત ચેનલોના ભારતમાં 63 મિલિયન વ્યુઅર્સ હતા.