દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો
Operation Sindoor: જમ્મુ કાશ્મીરના દાલ સરોવર નજીકથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો છે. પાકિસ્તાને આ મિસાઈલ ઓપરેશન સિંદૂર દરમિયાન શ્રીનગર પર ટાંકી હતી. જો કે, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી હતી. દાલ સરોવરની સાફ-સફાઈ દરમિયાન તેનો કાટમાળ મળી આવ્યો હતો. પાકિસ્તાને કાશ્મીરની સાથે અનેક સ્થળો પર હુમલાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા.
મીડિયા રિપોર્ટ અનુસાર, દાલ સરોવરમાં રવિવારે (21 સપ્ટેમ્બરના રોજ) સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. તે દરમિયાન પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે તેને કબજામાં લઈ અન્ય સ્થળે મોકલ્યા છે.
પાકિસ્તાનની હારનો વધુ એક પુરાવો
દાલ સરોવરમાંથી મળેલી મિસાઈલ પાકિસ્તાનની હારનો મોટો પુરાવો છે. પાકિસ્તાન અવારનવાર કાશ્મીર અને ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદિત નિવેદન આપે છે. પરંતુ આ કાટમાળ ઓપરેશન સિંદૂર દરમિયાન કાશ્મીરીઓને નિશાન બનાવવાનો તેનો નિષ્ફળ પ્રયાસનો પુરાવો બન્યું છે. પાકિસ્તાને કાશ્મીર સહિત સરહદના અનેક વિસ્તારો પર હુમલાના પ્રયાસ કર્યા હતા. પરંતુ ભારતીય સેનાએ તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા.
ઓપરેશન સિંદૂર દરમિયાન કર્યા હતાં હુમલા
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ વડે હુમલાના પ્રયાસ કર્યા હતા. પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તેને નષ્ટ કર્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો હતો. પાકિસ્તાનના નૂરખાન એરબેઝ અને મુરિદકે સહિત અનેક સ્થળો પર હુમલા કર્યા હતા.
પહલગામ હુમલા બાદ વધ્યો હતો તણાવ
22 એપ્રિલના રોજ કાશ્મીરના પહલગામમાં લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકો પર અંધાધૂધ ગોળીબાર કરી હુમલો કર્યો હતો. જેમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાની વિશ્વભરમાં ટીકા થઈ હતી. જેનો બદલો લેતાં ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. જેમાં ભારતની ત્રણેય પાંખના જવાનોએ પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદીના નવ ઠેકાણા પર હુમલા કર્યા હતા. જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ પણ રદ કરવામાં આવી હતી.