પાકિસ્તાને અમેરિકાના દુશ્મન દેશ સાથે કર્યા મહત્ત્વપૂર્ણ કરાર, શહબાઝના નિર્ણયથી ટ્રમ્પ ભડકશે!
Pakistan Supports Iran: હાલના દિવસોમાં અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વધી રહ્યા છે. પરંતુ આ વચ્ચે પાકિસ્તાને કંઈક એવું કર્યું કે જેનાથી અમેરિકાને મરચાં લાગી જશે. કારણ કે પાકિસ્તાને ઈરાનના પરમાણુ પરીક્ષણના અધિકારની તરફેણ કરી છે. પાકિસ્તાને રવિવારે કહ્યું કે, શાંતિપૂર્ણ ઉદ્દેશ્ય માટે પરમાણુ ક્ષમતા હાસલ કરવી ઈરાનનો અધિકાર છે.
જણાવી દઈએ કે, અમેરિકા ઇઝરાયલનું પક્ષકાર છે અને ક્યારે નથી ઈચ્છતું કે ઈરાન પરમાણુ ક્ષમતા હાંસલ કરે. ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બમારો પણ કર્યો હતો.
પાકિસ્તાન આવ્યા છે ઈરાનના રાષ્ટ્રપતિ
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન બે દિવસીય પ્રવાસે પાકિસ્તાન પહોંચ્યા હતા. તેમણે પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફ સાથે તેના સત્તાવાર નિવાસ સ્થાન પર મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે કેટલાક મહત્ત્વપૂર્ણ કરાર પણ થયા. ઈરાની રાષ્ટ્રપતિ અને પાકિસ્તાની વડાપ્રધાનની મુલાકાત બાદ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ થઈ. જેમાં શહબાઝ શરીફે ભાર આપ્યો કે, ઈરાનને શાંતિપૂર્ણ ઉપયોગ માટે પરમાણુ ઉર્જાની જરૂર છે. ઈરાનની આ જરૂરિયાત માટે પાકિસ્તાન સંપૂર્ણ દૃઢતા સાથે તેની સાથે ઉભું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વાંધો પડ્યો
જણાવી દઈએ કે, પરમાણુ શક્તિને લઈને જ અમેરિકા અને ઈરાન વચ્ચે તનાતની ચાલી રહી છે. આ ઘર્ષણમાં અમેરિકા પાકિસ્તાનને પોતાનું સહયોગી માને છે. તેણે તેહરાનના પરમાણુ કાર્યક્રમ પર પાકિસ્તાનને નોન-નાટો સહયોગી જાહેર કરી રાખ્યું છે. જૂનમાં ઈઝરાયલ અને અમેરિકાએ મળીને ઈરાનના મુખ્ય પરમાણુ ઠેકાણાઓ પર બોમ્બ વરસાવ્યા હતા. ત્યારબાદ ઈરાને ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) સાથે સહયોગ ખતમ કરી દીધા.
ગાઝા પર ઈઝરાયલની કાર્યવાહીનો પણ વિરોધ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન શહબાઝ શરીફે ઈરાન વિરૂદ્ધ ઇઝરાયલના આક્રમણની પણ ટીકા કરી. તેમણે ગાઝા પર ઈઝરાયલની કાર્યવાહી પર પણ વાંધો દર્શાવ્યો. શરીફે તેના વિરૂદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાય, ખાસ કરીને મુસ્લિમ દેશોનું આહ્વાન કર્યું. તેમણે આ ક્ષેત્રમાં માનવાધિકાર ઉલ્લંઘનનો વિરોધ કરવાની માગ ઉઠાવી.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ઈરાન રવિવારે તેમના ભૌગોલિક ક્ષેત્ર અને 'અંતર લાભ'નો લાભ લઈને દ્વિપક્ષીય વેપાર વાર્ષિક આઠ અબજ ડોલર સુધી વધારવા સંમત થયા હતા. બંને દેશોના વેપાર મંત્રીઓએ આર્થિક અને રાજકીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ચર્ચા કરી હતી.