આ વર્ષે પાક.નો 3100 વખત તોપમારો, ભારતે વધુ 3000 જવાન ખડક્યા
- ચીનને મદદ કરવા પાક.નો ગોળીબાર વધ્યો
- કોરોના વચ્ચે પણ વધી રહેલા પાક.ના તોપમારામાં આ વર્ષે આઠ ભારતીય જવાન શહીદ, અનેક નાગરિકોનાં મોત
નવી દિલ્હી/શ્રીનગર, તા. 19 સપ્ટેમ્બર, 2020, શનિવાર
પાકિસ્તાને સરહદે આ વર્ષે ત્રણ હજારથી વધુ વખત શસ્ત્ર વિરામનો ભંગ કરી ભારે તોપમારો કર્યો હતો. છેલ્લા 17 વર્ષમાં એક વર્ષના સમયગાળામાં સૌથી વધુ વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો છે. 2003માં શસ્ત્ર વિરામના કરારો બન્ને દેશો વચ્ચે થયા હતા તે બાદ અવાર નવાર પાકે. તેને તોડયા છે. અને આ વખતે માત્ર આઠ જ મહિનામાં રેકોર્ડ બ્રેક 3186 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. જે જાણકારી સંસદમાં સરકારે આપી હતી.
સંસદમાં સરકારે રજુ કરેલા આંકડા મુજબ આઠ માસમાં પાક.ના ગોળીબારમાં ભારતના આઠ જવાનો પણ શહીદ થયા છે. જ્યારે અનેક મહિલાઓ અને બાળકો પણ માર્યા ગયા છે. સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં અનેક મકાનોને પાકિસ્તાને નુકસાન પહોંચાડયું છે. કોરોના મહામારી હોવા છતા પાકિસ્તાને રેકોર્ડ બ્રેક ત્રણ હજાર વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો તેનો ભારતીય સૈન્ય દ્વારા પણ આક્રામક રીતે મજબુત જવાબ આપવામાં આવ્યો હતો.
ગત વર્ષે પાકિસ્તાને બે હજાર વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. આ આંકડા એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે ચીન સાથે સરહદે ભારે તકરાર થઇ રહી છે. બીજી તરફ એલઓસી પર પાક.ના વધતા તોપમારા વચ્ચે ભારતીય સૈન્યએ બીજા વધારાના ત્રણ હજારથી વધુ સૈનિકોને તૈનાત કરી દીધા છે.
પાકિસ્તાન સૈન્યના તોપમારાને અને આતંકીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવવા માટે આ કાર્યવાહી થઇ રહી છે. આ વર્ષે પાકિસ્તાને ગોળીબાર કર્યો તેનું એક કારણ આતંકીઓને ઘુસાડવાનું પણ છે જોકે ભારતીય સૈન્યએ પાક.ના આ મનસુબાને નિષ્ફળ બનાવ્યા છે અને અનેક આતંકીઓને સરહદે જ ઠાર માર્યા છે આૃથવા પાકિસ્તાન પરત ભગાડયા છે.
હાલ પાક.ના કબજા વાળા કાશ્મીરમાં એલઓસી પર પાક.ની બે વધારાની બટાલિયન તૈનાત છે. જેની જાણકારી મળતા જ ભારતીય સૈન્યએ વધુ ત્રણ હજાર જવાનોને સરહદે તૈનાત કરી દીધા છે. ચીન સાથે લદ્દાખમાં હાલ ઘર્ષણની સિૃથતિ છે એવામાં જ પાકિસ્તાને એલઓસી પર ગોળીબાર વધારી દીધો છે. પાકિસ્તાન આમ કરીને ચીનને મદદ કરી રહ્યું છે.
પુલવામામાં આતંકીનું મકાન જપ્ત કરવા એનઆઇએનો આદેશ
કાશ્મીરમાં આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવી રહી છે. આવા જ એક ધરપકડ કરાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી ઇર્શાદ અહેમદ રેશીની સંપત્તિને પણ જપ્ત કરવામાં આવી રહી છે. એનઆઇએએ ઇર્શાદના પુલવામામાં આવેલા ઘરને સીલ કરીને તેને જપ્ત કરવાની કાર્યવાહીના આદેશ આપ્યા છે. ઇર્શાદની 2017માં ધરપકડ કરવામાં આવી હતી. જે મકાનને જપ્ત કરવાના આદેશ અપાયા છે તેનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિ માટે થઇ રહ્યો હતો. આ મકાન તેના પિતા નાઝિર અહેમદના નામે છે. ઇર્શાદ જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠન માટે કામ કરતો હતો જેમાં તે પોતાના મકાનનો પણ ઉપયોગ કરતો હતો.
ત્રણ શખ્સો બેંકના ગાર્ડની રાઇફલ લઇ ફરાર, જવાનનો મૃતદેહ મળ્યો
શ્રીનગર, તા. 19
જમ્મુ કાશ્મીરમાં એક બેંકમાં સુરક્ષા જવાન પર હુમલો કરીને ત્રણ શખ્સો ગાર્ડની રાઇફલ લઇને ફરાર થઇ ગયા હતા. કાશ્મીરના પુલવામામાં આવેલી એક બેંકમાં ખાનગી સિક્યોરિટી ગાર્ડ જ્યારે સુરક્ષા આપી રહ્યો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને તેમના પર હુમલો કરી રાઇફલ લઇને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી અને સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગી છે. આ હુમલામાં સુરક્ષા જવાન શોકત અહેમદ ઘાયલ થયો હતો, જેને સારવાર અપાઇ રહી છે. જ્યારે જમ્મુમાં 36 વર્ષીય એક જવાનનો મૃતદેહ મલી આવ્યો છે.
પાકે. ડ્રોનથી ઘુસાડેલા હથિયારો લેવા આવેલા સહિત પાંચ આતંકીની ધરપકડ
જમ્મુ કાશ્મીર પોલીસ વડા દિલબાગસિંહે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકીઓને ઘુસાડવામાં નિષ્ફળ રહ્યું છે ત્યારે હવે તે ડ્રોનની મદદથી હિથયારોને સરહદ પાર કરાવી ભારતમાં ઘુસાડી આતંકીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યું છે. આ કાવતરામા સામેલ લશ્કરે તોયબાના ત્રણ આતંકીઓને રાજોરીમાંથી ઝડપી પડાયા છે. આ આતંકીઓ રાજોરીમાં સરહદે પાકિસ્તાનના હિથયારોના કન્સાઇન્મેન્ટ માટે આવ્યા હતા. આ કન્સાઇન્મેન્ટ પાકિસ્તાને ડ્રોનની મદદથી મોકલ્યું હતું. બાલાકોટમાંથી અગાઉ 11 કરોડ રૂપિયાનું 11 કિલો હેરોઇન પણ આ જ રીતે પાકિસ્તાને ઘુસાડયું હતું જેને જપ્ત કરી લેવાયું હતું. જ્યારે પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓ ઝડપાયા હતા. તેમની પાસેથી અલબદ્ર અને હિઝબુલના કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા હતા.