પાકિસ્તાનનાં ખૈબર પખ્તૂનખ્વામાં આતંકી હુમલામાં 6 જવાનો ઘાયલ, 2025માં 560 આતંકી હુમલામાં 1904ના મોત
Terrorist Attack in Pakistan : પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના બન્નુમાં આજે એક પોલીસ ચોકી પર થયેલા આતંકી હુમલામાં છ જવાન ઘાયલ થયા છે, જેમને સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા 2022માં સરકાર સાથે થયેલા સંઘર્ષ વિરામ કરારને તોડી નાખ્યા બાદ પ્રાંતમાં આતંકી હુમલાઓમાં વધારો થયો છે.
આતંકવાદીઓ ભાગી ગયા
ડોન સમાચાર પત્રએ બન્નુ પોલીસ પ્રવક્તા આમિર ખાનને ટાંકીને કહ્યું છે કે, આતંકવાદીઓએ બન્નુના તખ્તી ખેલ વઝીરના સરહદી વિસ્તારમાં એક પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં છ કોન્સ્ટેબલ ઘાયલ થયા છે. પોલીસ દળે મોરચો સંભાળ્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા છે. ઘાયલ કોન્સ્ટેબલોને સારવાર માટે બન્નુ સ્થિત સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
TTP સાથે સમજૂતી તોડ્યા બાદ આતંકી હુમલા વધ્યા
પોલીસ પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, વધારાના પોલીસ દળને વિસ્તારમાં તહેનાત કરી દેવામાં આવ્યું છે અને આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. TTP દ્વારા 2022માં સરકાર સાથે થયેલા સંઘર્ષ વિરામ સમજૂતીને રદ કર્યા બાદ આતંકી હુમલાઓમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૈબર પખ્તૂનખ્વાના બન્નુ, પેશાવર, કરક, લક્કી મરવત અને બાજોરમાં હુમલા થયા છે. ખાસ કરીને આ મહિને બન્નુમાં પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.
એક દિવસ પહેલા કોન્સ્ટેબલને ગોળી મારી દેવાઈ
આ ઘટનાના એક દિવસ પહેલા કોન્સ્ટેબલ હયાતુલ્લાહને આતંકવાદીઓએ ડ્યુટી પરથી ઘરે પરત ફરતી વખતે ગોળી મારી દીધી હતી. 19 જુલાઈએ બન્નુના મિરયાન પોલીસ સ્ટેશન પર આતંકવાદીઓએ ડ્રોન 'કાડકોપ્ટર'થી કરેલા હુમલામાં એક અધિકારી સહિત બે પોલીસ અધિકારી ઘાયલ થયા હતા.
2025માં 560 આતંકી હુમલા, 1904ના મોત
સિક્યોરિટી ઍન્ડ ઍનૅલિસિસ ઑફ ટેરરિઝમ (SATP)ના ડેટા મુજબ, પાકિસ્તામાં કુલ 560 આતંકવાદી ઘટનાઓ નોંધાઈ છે, જેમાં કુલ 1,904 લોકોના મોત થયા છે. જેમાં 339 નાગરિકો, 613 સુરક્ષા દળોના જવાનો અને 952 આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ (GTI) 2025 ઈન્ડેક્સ મુજબ પાકિસ્તાન આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં ચોથા સ્થાનેથી બીજા સ્થાને આવી ગયું છે. રિપોર્ટ મુજબ-2024માં પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 1081 લોકોના મોત થયા છે, જ્યારે 2023માં આ આંકડો 748 હતો. ખૈબર પખ્તૂનખ્વા, બન્નુ, પેશાવર, કરક, લક્કી મરવત અને બાજોર જેવા વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ વધુ થયા છે. 2024માં TTP એ 482 હુમલા કર્યા હતા, જેના પરિણામે 558 લોકોના મોત થયા હતા. પાકિસ્તાન ઇન્સ્ટિટ્યુટ ફોર કન્ફ્લિક્ટ એન્ડ સિક્યોરિટી સ્ટડીઝ (PICSS)ના ડેટા મુજબ જાન્યુઆરી 2025માં દેશભરમાં ઓછામાં ઓછા 74 આતંકવાદી હુમલા નોંધાયા હતા, જેમાં 35 સુરક્ષાકર્મીઓ, 20 નાગરિકો, 36 આતંકવાદીઓના મોત થયા છે.
આ પણ વાંચો : 'મેડે...', અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ