- વિશ્વ યુદ્ધ શક્તિ ક્રમાંકમાં હજી પણ અમેરિકા ટોપ ઉપર છે : તે પછી રશિયા, રશિયા પછી ચાયના અને ચાયના પછી ચોથા ક્રમે ભારત આવે છે
નવી દિલ્હી : 'ઑપરેશન સિંદૂર' પછી પાકિસ્તાની સૈન્ય શક્તિને જબરજસ્ત ઝટકો લાગ્યો છે. તેનું ગ્લોબલ રેન્કીંગ નીચું જતાં તે પ્રથમ ૧૦ની બહાર ફેંકાઈ ગયું છે.
'ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ' પ્રમાણે ભારત અત્યારે, સૌથી પ્રબળ સૈન્ય શક્તિ ધરાવતા દેશોમાં ચોથા ક્રમે છે જ્યારે પાકિસ્તાન પહેલા ૧૦માંથી પણ બહાર ફેંકાઈ ગયું છે.
આ રીપોર્ટ પ્રમાણે, ભારત પોતાના સંરક્ષણ માટે પૂરેપૂરું સજ્જ છે જ્યારે પાકિસ્તાનમાં તેટલી સતર્કતા દેખાતી નથી તેનું એક કારણ તેની લગભગ ભાંગી પડેલી આર્થિક વ્યવસ્થા છે.
આ રીપોર્ટમાં આ સાથે સ્પષ્ટત: કહેવામાં આવ્યું છે કે, 'ફાયર પાવરની દ્રષ્ટિએ અમેરિકી સૈન્ય હજી પણ પ્રથમ ક્રમે છે તે પછી રશિયા આવે છે અને તે પછી ચાયનાનું સ્થાન છે જ્યારે ભારત તેની આશરે ૧૫ લાખની સેના સાથે ચોથા સ્થાને છે. ભારત સતત તેની સેનાને મજબૂત બનાવી રહ્યું છે તેટલું જ નહીં પરંતુ તેની સેનાને એવી તાલીમ અપાય છે કે તે દરેક પ્રકારની પરિસ્થિતિ અને દરેક પ્રકારના પડકારનો સામનો કરવા તૈયાર રહે છે. ભારત પાસે ઘણું મોટું ભૂમિદળ છે. સક્ષમ અને તાલીમબદ્ધ વાયુસેના છે તેવું જ તેની નૌસેના માટે કહી શકાય તેમ છે.'
રીપોર્ટ વધુમાં જણાવે છે કે, ભારતની સેનાના તમામ 'અંગો' આધુનિક શસ્ત્રોનો ઉપયોગ કરે છે અને દેશમાં જ સંરક્ષણ સાધનો બનાવવા ઉપર ભાર મૂકે છે. સૈનિકોની ટ્રેનિંગ અને ટેક્નિક બંને ઉપર કામ કરવામાં આવે છે.
બીજી તરફ પાકિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે દેશ પાસે સેના માટે ખર્ચ કરવા મર્યાદિત જ ભંડોળ છે શસ્ત્રોની ખરીદી સૈનિકોની ટ્રેનિંગ તથા નવી ટેક્નિકો ઉપર તે વધુ ધ્યાન આપતું નથી. તેવામાં 'ઑપરેશન સિંદૂર' દરમ્યાન થયેલા નુકસાને તેની મુસીબતો વધારી દીધી છે તે કારણથી તેનું રેન્કિંગ નીચું ગયું છે.
આ રીપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સેનાએ સરહદ પર રહેલા આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા હતા તેમાં આતંકવાદીઓને તો ભારે નુકસાન થયું છે તેથી પાકિસ્તાની સેનાની પ્રતિષ્ઠા પણ તૂટી હતી તેથી તેની સ્થિતિ નિર્બળ બનેલી દેખાય છે.
આ રીપોર્ટમાં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આથી કોઈ દેશની યુદ્ધ શક્તિનું નિશ્ચિત માપ તો મળી જ શકે નહીં પરંતુ તેથી એક અંદાજ જરૂર મળી શકે.


