પહેલગાંવ : વડાપ્રધાને બીજી વખત CCS ની બેઠક બોલાવી : આજે જ ફટકો મારવામાં આવશે ?
- સેના હાઈ એલર્ટ પર : પાક. રાજદ્વારીઓને ભારત છોડવા કહ્યું
- ભારત-પાક. વચ્ચે તંગદિલી સતત વધી રહી છે : પાકિસ્તાનના નેતાઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે : CCS ની બેઠક પછી CCPA ની વિશેષ બેઠક બોલાવાશે
નવી દિલ્હી : પહેલગાંવ આતંકીહુમલા પછી ભારત-પાક. વચ્ચે સતત તંગદિલી વધતી જાય છે. બીજી તરફ પાકિસ્તાનના નેતાઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે. પહેલગાંવ હુમલા પછી સમગ્ર દેશમાં આક્રોશ છે.
બુધવારે સવારે ૧૧ વાગે કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી (સીસીએસ)ની બેઠક મળશે. તેમાં સંરક્ષણ સહિત અન્ય તમામ તૈયારીઓ વિષે ચર્ચા થશે. સી.સી.એસ.ની બેઠક પછી વડાપ્રધાનની અધ્યક્ષતામાં સીસીપીએ (કેબિનેટ કમીટી ઓન પોલિટિકલ અફેર્સ)ની પણ મહત્ત્વની બેઠક મળશે.
સીસીપીએની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ગૃહમંત્રી અમિત શાહ વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરી આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા વિત્ત મંત્રી નિર્મલા સીતા રામન્ ઉપરાંત જીતન રામા માંઝી, સર્વાનંદ સોનેવાલ, રાજમોહન નાયડુ વગેરે ઉપસ્થિત રહેશે.
દરમિયાન ત્રણે સેનાઓને હાઈ એલર્ટ પર મુકી દેવાઈ છે. પાક. રાજદ્વારીઓને દેશ છોડવા કહી દેવાયું છે.
પહેલગાંવ હુમલા પછી ભારતે પાકિસ્તાન ઉપર બહુવિધ રાજદ્વારી સ્ટ્રાઈક કરી છે. તેને વિશ્વચોકમાં ઉઘાડું પાડી દીધું છે. મિત્ર રાષ્ટ્રો સાથે મંત્રણા કરી લીધી છે. દુનિયાભરમાંથી પાકિસ્તાન પર ફિટકાર વરસે છે.
ભારત હવે કશાંક કઠોર પગલાં લેશે. તેમ માની પાકિસ્તાને ગુરૂવારે તેની સંરક્ષણ સમિતિની બેઠક બોલાવી હતી.
પહેલગાંવ હુમલા પછી ભારતે ઝડપભેર પગલાં લેવાં શરૂ કરી દીધાં છે. સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (વીએમએફ)ને સતત સતર્ક રહેવા જણાવી દીધું છે. તેમજ રાજ્યોને તેમની પોલીસ, એસઆરપી તથા હોમગાર્ડઝને સતર્ક રાખવા કહી દીધું છે. ભારતે હવે પાકિસ્તાનને બરોબરનો પાઠ ભણાવવા નિર્ણય કર્યો છે. તે માટે બહુવિધ ખાતાઓ તો લેવાશે જ પરંતુ તે પૈકી પાંચ મહત્ત્વનાં પગલાંઓ જે લેવામાં આવશે તે આ પ્રમામે છે.
(૧) પાકિસ્તાન સાથેનો સિંધુ જલ કરાર સ્થગિત કર્યો.
(૨) ૧મેથી અટારી બોર્ડર બંધ કરાશે.
(૩) ૪૮ કલાકમાં પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા આદેશ અપાયો છે.
(૪) સેનાઓને ત્રણે સેનાઓને હાઈ એલર્ટ પર મુકાઈ ગઇ છે.
(૫) પાકિસ્તાનના રાજદ્વારીઓને ભારત છોડવા કહી દેવાયું છે.
ટૂંકમાં અત્યારે તો દેશભરમાં પરિસ્થિતિ ખેંચાયેલી પણછ સમાન તંગ બની રહી છે.