પહલગામમાં બુલેટપ્રુફ જેકેટમાં ફરતો એક શંકાસ્પદ ઝડપાયો, પૂછપરછમાં આપ્યા ગોળ-ગોળ જવાબ
Pahalgam News: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં જે બૈસરન ખીણમાં આતંકવાદી હુમલો થયો હતો, ત્યાંથી સુરક્ષાદળોએ એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી છે. પહલગામના સર્કિટ રોડ પર હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ બુલેટ પ્રુફ જેકેટ પહેરીને ફરી રહેલા એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરી છે.
સુરક્ષાદળોએ તપાસ હાથ ધરી
સુરક્ષાદળો દ્વારા ધરપકડ કરવામાં આવેલા સંદિગ્ધ વ્યક્તિની ઓળખ બિલાલ અહમદ રૂપે થઈ છે. ધરપકડ સમયે તેણે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હતું. પૂછપરછ પર બિલાલે ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. સુરક્ષાદળોએ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. તેમજ સ્થાનિકોને આસપાસ સંદિગ્ધ વ્યક્તિ મળે તો તેની સૂચના આપવા અપીલ કરી છે.
સુરક્ષાદળો દ્વારા શંકમદોની ધરપકડ વધી
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે બીએસએફ શંકમદોની ધરપકડ કરી રહી છે. પંજાબના ગુરદાસપુરમાંથી ગઈકાલે વધુ એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી હતી. તેની પાસેથી અમુક રૂપિયા અને એક આઈડી કાર્ડ મળી આવ્યું હતું. અગાઉ બીએસએફએ 3 મેના રોજ રાજસ્થાનમાંથી ભારત-પાકિસ્તાન સરહદ પરથી પાકિસ્તાની સૈનિકની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોઃ બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
પંજાબમાં બીએસએફે ડ્રોન જપ્ત કર્યું
આ ઉપરાંત, ગુપ્ત માહિતીના આધારે, BSF એ અમૃતસર જિલ્લાના મહાવા ગામ નજીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 550 ગ્રામ હેરોઈન ભરેલું પેકેટ જપ્ત કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પેકેટ સફેદ કપડામાં લપેટાયેલું હતું. પંજાબ પોલીસ સાથે સંયુક્ત સર્ચ ઓપરેશનમાં, BSFએ તરનતારન જિલ્લાના મેહદીપુર ગામ નજીકના એક ખેતરમાંથી એક ડ્રોન પણ જપ્ત કર્યું હતું.
બે પાકિસ્તાની જાસૂસોની કરી ધરપકડ
પંજાબ પોલીસે 4 મે 2025ના રોજ અમૃતસરમાં લશ્કરી છાવણી વિસ્તારો અને વાયુસેનાના ઠેકાણાઓની સંવેદનશીલ માહિતી અને ફોટોગ્રાફ્સ લીક કરવામાં કથિત ભૂમિકા બદલ બે લોકોની ધરપકડ કરી હતી. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, બંને કથિત રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને સંવેદનશીલ માહિતી મોકલી રહ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.