- પાંચ દાયકા સુધી ભારતમાં પત્રકારત્વનું ખેડાણ કર્યું
- 1971નું યુદ્ધ, કટોકટી, ઓપરેશન બ્લૂ સ્ટાર, ઇન્દિરા, રાજીવ ગાંધીની હત્યા, બાબરી મસ્જિદ વિવાદ વગેરેનું રિપોર્ટિંગ કર્યું
- નો ફુલ સ્ટોપ્સ ઇન ઇન્ડિયા, ઇન્ડિયા ઇન સ્લોમોશન જેવા 10 પ્રભાવશાળી પુસ્તકો લખ્યા, અંગ્રેજીની સાથે હિન્દી ભાષાના પણ જાણકાર હતા
કોલકતામાં ૧૯૩૫માં ૨૪ ઓક્ટોબરના રોજ જન્મેલા ટુલીએ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ જવા અગાઉ તેમના પ્રારંભિક વર્ષો ભારતમાં વિતાવ્યા હતા. તેઓ ૧૯૬૪માં બીબીસીના સંવાદદાતા તરીકે પાછા આવ્યા અને તેના નવી દિલ્હી બ્યુરોના ચીફ બન્યા, જે પદ પછી તેમણે ૨૨ વર્ષ સુધી સંભાળ્યું. પાંચ દાયકા કરતા વધુ સમય દરમ્યાન તેઓ ભારતના રાજકીય અને સામાજિક પરિવર્તનના સૌથી સમજદાર ઈતિહાસકારો પૈકી એક તરીકે ઊભરી આવ્યા.
ટુલીએ સ્વતંત્રતા પછીના ભારતીય ઈતિહાસમાં કેટલાક સૌથી મહત્વના બનાવોનું રિપોર્ટિંગ કર્યું હતું જેમાં બાંગ્લાદેશનું યુદ્ધ, કટોકટી, ઓપરેશન બ્લૂ સ્ટાર, ઈન્દિરા અને રાજીવ ગાંધીની હત્યાઓ અને બાબરી મસ્જિદ ધ્વંસ જેવી ઘટનાઓ સામેલ હતી. પત્રકારિત્વની સાથે તેઓ એક પ્રસિદ્ધ લેખક પણ હતા અને તેમણે 'નો ફુલ સ્ટોપ્સ ઈન ઈન્ડિયા', 'ઈન્ડિયા ઈન સ્લો મોશન' અને 'ધી હાર્ટ ઓફ ઈન્ડિયા' જેવા દસ પ્રભાવશાળી પુસ્તકો લખ્યા હતા.
૧૯૯૪માં બીબીસી છોડયા પછી પણ ટુલીએ દિલ્હીમાં ફ્રીલાન્સ પત્રકાર તરીકે કામ કરવાનું ચાલુ રાખ્યું અને ભારતના બદલતા ધબકારનું બારીકાઈથી નિરીક્ષણ કરતા રહ્યા. ૨૦૦૨માં નાઈટહૂડ મેળવેલા તેમજ ૨૦૦૫માં પદ્મભૂષણ એનાયત કરાયેલા ટુલીને કાયમ સત્યના અવાજ તરીકે ઓળખવામાં આવતા. તેમના પુત્રએ તેમનું યોગ્ય રીતે જ વર્ણન કર્યું છે તેઓ બે જગત સાથે સંકળાયેલા હતા, તેમના હૃદયમાં ભારત હતું, છતાં આંશિક રીતે તેઓ અંગ્રેજ હતા, જે બે દેશો અને પેઢીઓને જોડતી તેમની અનોખી વિરાસતની નિશાની છે.


