ભાજપને જીતાડવા USથી પણ તૈયારી, ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’ ભારતમાં 25 લાખ ફોન કરશે
ભાજપે અમેરિકામાં બે ડઝનથી વધુ ટીમ બનાવી : અમેરિકામાં ચાય પે ચર્ચા કાર્યક્રમ પણ યોજવાની તૈયારી
3000થી વધુ ભારતીય અમેરિકનનોનું પ્રતિનિધિ પક્ષ અને ઉમેદવારોનો પ્રચાર કરવા ભારત આવશે
‘Overseas Friends of BJP’ in America : દેશમાં આ વર્ષે યોજનાર લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) માટે તમામ પક્ષોના નેતાઓએ તૈયારી આરંભી દીધી છે. આ વખતની ચૂંટણીમાં કેન્દ્રની મોદી સરકારને હરાવવા ઈન્ડિયા ગઠબંધન પણ કમરકસી રહી છે, ત્યારે ભાજપ પણ વિશેષ યોજનાઓ ઘડવામાં લાગી ગયું છે. આ વખતે ભાજપને જીતાડવા અમેરિકાની ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’ પણ મેદાનમાં ઉતરી છે.
25 લાખ ભારતીયોને કરશે કૉલ
વડાપ્રધાન મોદીને સતત ત્રીજી વખત અને ભાજપને રેકોર્ડ 400થી વધુ બેઠકો જીતાડવા અમેરિકાની ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’ વિશેષ અભિયાન શરૂ કરશે, જેમાં ભારતમાં 25 લાખથી વધુ લોકોને ફોન કૉલ કરવામાં આવશે.
3000થી વધુ ભારતીય અમેરિકનનોનું પ્રતિનિધિ ભારત આવશે
પાર્ટી અને ઉમેદવારોના પ્રચાર કરવા માટે અમેરિકાની ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’એ 3000થી વધુ ભારતીય અમેરિકનનોનું એક પ્રતિનિધિ મંડળ ભારત મોકલવાની યોજના બનાવી છે. ભાજપે અમેરિકામાં બે ડઝનથી વધુ ટીમ બનાવી છે, જેઓ વિશિષ્ટ કૉલ કરવા તેમજ વિવિધ રાજ્યો અને ભાષા મુજબ રણનીતિ બનાવવામાં મદદ કરશે.
આખા અમેરિકામાં કાર્યક્રમ યોજાશે, મોદી સરકારની ઉપલબ્ધિઓ રજુ કરાશે
‘ઑફ બીજેપી યુએસએ’ના અધ્યક્ષ અદાપા પ્રસાદે તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘અમે ડિસેમ્બરથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને આ મહિને ઝડપી કામગીરી શરૂ કરી દઈશું. અમે આખા અમેરિકામાં ફેબ્રુઆરીમાં કાર્યક્રમ શરૂ કરવાના છીએ- સંભવતઃ 18 રાજ્યોના લગભગ 20-22 શહેરોમાં... અમે ‘ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી’ના સમર્થકો અને સ્વયંસેવકોને એકત્ર કરવા ઉપરાંત સામાન્ય લોકો, સમુદાયના નેતાઓ અને જેઓ ‘મોદી 3.0’ જોવા ઈચ્છે છે, તેમને પણ એકઠા કરી રહ્યા છીએ. તેથી જ તેઓ કાર્યક્રમમાં ભાગ લેશે. ઓફ બીજેપી યુએસએ છેલ્લા પાંચ વર્ષ અને સાથે જ 10 વર્ષોમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ રજુ કરશે. અમે પાવરપૉઈન્ટ સ્લાઈડ અગાઉથી તૈયાર કરી દીધી છે. અમારી પાસે વિતરણ કરવા માટે પીડીએપ દસ્તાવેજ છે.’
અમેરિકામાં ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજવાની તૈયારી
તેમણે કહ્યું કે, ‘OF BJP USA આખા અમેરિકામાં ‘ચાય પે ચર્ચા’ કાર્યક્રમ યોજવા પર પણ કામ કરી રહી છે. આ વખતે ભાજપ અને તેમના ઉમેદવારો માટે 400 બેઠકો હાંસલ કરવાનું લક્ષ્ય છે. સામાન્ય ચૂંટણી અંગે અત્યારથી જ રાજકીય ગરમાવો શરૂ થઈ ગયો છે. આ મોદી અને ભાજપ માટે છે. અમારી પાસે લગભગ જિલ્લા સ્તરે કૉલ સેન્ટર હશે. અમે રાજ્ય મુજબ વિભાજન કરી કૉલ કરીશું. હું 25 લાખ ફોન કૉલની આશા રાખી રહ્યો છું. આ વર્ષે, ઓફ બીજેપી સામાન્ય ચૂંટણીઓમાં પાર્ટી માટે પ્રચાર કરવા 3000 ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિમંડળ મોકલવાની આશા રાખે છે. આ અંગે ભારતમાં ઓફ બીજેપી યુએસએ અને ભાજપ વચ્ચે સમન્વય છે.’