પુરી રથયાત્રા: જગન્નાથજીના દર્શન માટે લાખોની ભીડ, 68 ભક્તોને ઈજા, 500થી વધુની તબિયત લથડી
Puri Rath Yatra 2025: આજે અષાઢી બીજે દેશના વિવિધ શહેરોમાં રંગે ચંગે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓડિશાના પુરી અને ગુજરાતનાં અમદાવાદની રથયાત્રા વિશ્વપ્રસિદ્ધ છે. પુરીમાં આયોજિત વિશ્વની સૌથી મોટી રથયાત્રામાં આજે(27 જૂન, 2025) લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. અત્યંત વધુ ભીડના કારણે રથ ખેંચવામાં વિલંબ થતાં રથ જ્યાં ત્યાં જ વિશ્રામ માટે રોકી દેવાયા છે. આવતીકાલે ફરી રથ ખેંચવામાં આવશે. ભારેભીડની વચ્ચે તબિયત લથડવાની વિવિધ ઘટનાઓમાં 500થી વધુ ભક્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
581 ભક્તોને સારવાર અપાઈ
ભગવાનના રથ ખેંચીને અઢી કિમી દૂર ગુંડીચા મંદિર લઈ જવાશે. રથને ખેંચવા માટે મોટી સંખ્યામાં લોકોએ પડાપડી પણ કરી હતી, જેમાં અમુક ભક્તો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલ અનુસાર, 581 ભક્તોને પુરીની હોસ્પિટલમાં સારવાર અપાઈ છે, જેમાંથી 68 ઈજાગ્રસ્ત હતા અને અન્યોની તબિયત લથડી હતી.
ઍમ્બ્યુલન્સ માટે કોરિડોર બનાવાયો
પુરીની રથયાત્રામાં લોકોની સૂઝબૂઝના પણ દર્શન થયા. લાખોની ભીડ વચ્ચે પણ ઍમ્બ્યુલન્સ માટે લોકોએ રસ્તો કરી આપ્યો.
10 હજારથી વધુ સુરક્ષા કર્મી
રથયાત્રાની વ્યવસ્થા માટે પુરીમાં કુલ 10 હજારથી વધારે સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ભીડ પર નજર રાખવા માટે 275 કેમેરા લગાવવામાં આવ્યા છે. પોલીસ સિવાય RAFની ત્રણ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની આઠ ટુકડીઓ તૈનાત કરાઇ છે.