FOLLOW US

વિદેશમાં વસવાની લ્હાયમાં કંઈ પણ કરી છુટવું કેટલી હદે યોગ્ય? વાંચો કેનેડામાં ફસાયેલા વિદ્યાર્થીઓની વ્યથા

વિદ્યાર્થીઓનું કહેવું છે કે પીડિતોનો સાચો આંકડો હજુ વધારે હોઈ શકે છે, ઘણાં ડરને લીધે સામે નથી આવી રહ્યા

કોઈએ જમીન વેચી તો કોઈ આખા જીવનની બચત ખર્ચી વિદેશ પહોંચ્યો, કૌભાંડીના જાળમાં ફસાઈ સમાધાન કર્યું અને હવે દેશનિકાલની લટકતી તલવારનો કરી રહ્યા છે સામનો

Updated: Jun 8th, 2023

image : Twitter


કેનેડામાં સેંકડો ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ફસાયા છે. આ વિદ્યાર્થીઓ પર કેનેડામાંથી દેશનિકાલની તલવાર લટકી રહી છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબના છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેનેડિયન સત્તાવાળાઓએ તેમના પર નકલી પ્રવેશ પત્રોના આધારે કેનેડિયન યુનિવર્સિટીઓના વિઝા મેળવવાનો આરોપ મૂક્યો છે.

કૌભાંડીઓને કારણે સેંકડો વિદ્યાર્થીઓનું જીવન દાંવ પર 

કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી (CBSA) એ તાજેતરમાં લગભગ 700 ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટેશન લેટર  જારી કર્યા છે. CBSAને જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓના એડમિશન ઑફર લેટર્સ બનાવટી હતા. તેના બાદ જ આ લેટર જારી કરવામાં આવ્યા હતા. વિરોધ કરી રહેલા ઘણા વિદ્યાર્થીઓ દાવો કર્યો છે કે તેઓ 2018 માં કેનેડા પહોંચ્યા હતા, પરંતુ નકલી પત્રો હવે સામે આવ્યા છે, પાંચ વર્ષ પછી, જ્યારે તેઓએ કાયમી નિવાસ માટે અરજી કરી હતી.  એક વિરોધ કરી રહેલા વિદ્યાર્થી ચમનદીપ સિંહે કહ્યું કે  "જ્યારે અમે કેનેડા પહોંચ્યા, ત્યારે અમારા એજન્ટે અમને કહ્યું કે અમને જે કોલેજો માટે એડમિશન લેટર મળ્યા છે ત્યાંની સીટો ભરેલી છે. તેણે અમને કહ્યું કે યુનિવર્સિટીઓમાં ઓવરબુકિંગ થઈ ગયું છે.  જેથી તે અમને બીજી કોલેજમાં ટ્રાન્સફર કરી શકે છે. અમે તક ગુમાવવા માંગતા ન હોવાથી તેની સાથે સંમત થઈ ગયા હતા. અમે કોલેજો બદલી અને અમારો અભ્યાસ પૂર્ણ કર્યો, પરંતુ ત્રણ-ચાર વર્ષ પછી, અમને CBSA દ્વારા કહેવામાં આવ્યું કે અમને જે એડમિટ કાર્ડના આધારે વિઝા મળ્યા હતા તે નકલી હતા. 

ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરી લેવાનું વિચારવા લાગ્યા 

અન્ય વિરોધ કરી રહેલા વિદ્યાર્થી લવપ્રીત સિંહે દાવો કર્યો હતો કે દેશનિકાલના ડરથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે, જેના પરિણામે ઘણા લોકો આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે. તેમણે કહ્યું, "અમે ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે તે આ મુદ્દો કેનેડા સરકાર સાથે વાતચીત કરે. અમે નિર્દોષ છીએ અને અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. અમારા જીવન જોખમમાં છે, ઘણા લોકો આ કારણે આત્મહત્યા પણ કરી શકે છે. 700નો આંકડો એક અનુમાન છે પણ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે. હકીકતમાં, ઘણા પીડિતો મૌન છે અને આગળ આવતા નથી. મને 30 જૂન માટે દેશનિકાલની નોટિસ મળી છે. અમે કેનેડા આવવા માટે અમારી જીવન આખી બચત ખર્ચી નાખીઅને હવે અમને પાછા દેશ જવા માટે કહેવામાં આવ્યું છે. 

પંજાબના એનઆરઆઈ મંત્રીએ શું કહ્યું? 

પંજાબના NRI મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે આ છેતરપિંડીને તાજેતરના ઈતિહાસમાં સૌથી મોટા ઈમિગ્રેશન કૌભાંડોમાંથી એક ગણાવ્યું. ધાલીવાલે કહ્યું, "વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે ઘણા પૈસા ખર્ચ્યા છે. કેટલાક પરિવારોએ પોતાના બાળકોને વિદેશ મોકલવા માટે તેમની જમીન પણ વેચી દીધી છે." તેમણે આ મામલે વિદેશમંત્રી એસ જયશંકરના હસ્તક્ષેપની માંગ કરી છે. ધાલીવાલે કહ્યું, "આ (700) વિદ્યાર્થીઓ નિર્દોષ છે અને છેતરપિંડી કરનારાઓની ટોળકી દ્વારા છેતરપિંડી કરવામાં આવી છે. જો તમે (જયશંકર) ફરીથી વ્યક્તિગત રીતે આ મામલાની તપાસ કરશો અને કેનેડિયન હાઈ કમિશન સમક્ષ આ મામલો ઉઠાવશો તો હું ખૂબ આભારી હોઈશ.

આ મામલે કેનેડાના વડાપ્રધાને શું કહ્યું? 

આ મુદ્દો કેનેડાની સંસદમાં પહોંચ્યો, જ્યાં ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના નેતા જગમીત સિંહે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પૂછ્યું કે શું તેઓ આ વિદ્યાર્થીઓના દેશનિકાલને અટકાવશે. વડા પ્રધાન ટ્રુડોએ જવાબ આપતા કહ્યું, "અમારું ધ્યાન ગુનેગારોને ઓળખવા પર છે, પીડિતોને સજા આપવા પર નથી. અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા અમારા દેશમાં લાવેલા મોટા યોગદાનને ઓળખીએ છીએ." પંજાબ સરકારે આ મામલે હસ્તક્ષેપ માટે કેન્દ્રનો સંપર્ક પણ કર્યો છે.

Gujarat
English
Magazines