India

'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

By GS TEAM
2 Dec 20254 mins read
'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

- વિપક્ષ સંસદમાં નારા ન લગાવે, નીતિઓ પર ચર્ચા કરે

- ડ્રામા નહીં ડિલિવરી પર ધ્યાન આપો, બિહાર ચૂંટણીનો પરાજય ભૂલી જનતાના કામ કરો : પીએમ મોદીનો ટોણો

- સંસદ પરાજયનો બળાપો કાઢવાનું સ્થળ કે વિજયનો ઘમંડ બતાવવાનું મેદાન ના બનવું જોઈએ

નવી દિલ્હી : લોકસભાના શિયાનુ સત્રનો પ્રથમ દિવસ વિપક્ષના વિરોધના વાવાઝોડાને ભેટ ચઢી ગયો હતો. તેના કારણે ૧૫ દિવસના સત્રનો પ્રથમ દિવસ બરબાદ થઈ ગયો હતો. વિપક્ષે મતદારયાદી સુધારણા, બીએલઓના મોત અને દિલ્હીમાં પ્રદૂષણના મુદ્દે ચર્ચા કરવાની માંગ કરતા સંસદ ગજવી હતી. આના પગલે આખા દિવસ માટે લોકસભાને મુલતવી રાખવી પડી હતી. આમ વિપક્ષે સત્રના પ્રથમ દિવસથી જ આક્રમક અંદાજ અપનાવતા આગામી દિવસોમાં સંસદમાં તડાફડી બોલવાના એંધાણ છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને ટોણો મારતા જણાવ્યું હતું કે સંસદમાં ડ્રામા નહીં ડિલિવરી પર ધ્યાન આપો. વિપક્ષે સંસદને જાણે ચૂંટણીઓના પરાજયનો બળાપો કાઢવાનું સ્થળ બનાવી દીધી છે. તે નકારાત્મક માનસિકતામાંથી બહાર આવતું નથી. 

તેમણે વિપક્ષની મજાક કરતાં જણાવ્યું હતું કે બિહાર ચૂંટણીમાં તાજેતરમાં મળલેા પરાજયના પગલે વિપક્ષ અશાંત હોય તે સ્વાભાવિક છે, પરંતુ સંસદ કંઈ તેમના પરાજયનો ઉભરો ઠાલવવાનું સ્થળ નથી. તેમણે મતભેદ ભૂલી જઈને સંસદમાં સારી નીતિ અને કાયદો પાસ કરાવવા માટે કામ કરવા જણાવ્યું હતું, જેથી ચોમાસાના સત્રની જેમ શિયાળુ સત્ર બરબાદ ન થાય. 

તેમણે જણાવ્યું હતું કે હું બધાને જણાવીશ કે મુદ્દાઓ પર વિચાર કરે. ડ્રામા કરવા માટે ઘણી બધી જગ્યાઓ છે. અહીં ડ્રામા નહીં ડિલિવરી થવી જોઈએ. જે લોકો નારા લગાવવા ઇચ્છે છે સમગ્ર દેશ તેમની સાથે છે, પરંતુ સંસદમાં નારાઓ પર નહીં નીતિ પર ભાર મૂકવો જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે રાજકારણમાં નકારાત્મકતા કામ કરે તે શક્ય છે, પરંતુ છેવટે તો દેશ બનાવવા માટે હકારાત્મક અભિગમ જરૂરી છે. વિપક્ષે નકારાત્મક વિચાર ત્યજીને દેશ બનાવવા પર ફોકસ કરવું જોઈએ. 

તેની સાથે તેમણે વિપક્ષને મજબૂત મુદ્દા ઉઠાવવા અપીલ કરી હતી. વિપક્ષે પણ સંસદમાં જરૂરી અને મજબૂત મુદ્દા ઉઠાવવા જોઈએ. બિહારની ચૂંટમીના આઘાતમાંથી બહાર આવીને સંસદીય પ્રક્રિયામાં હિસ્સેદાર બનવું જોઈએ. મને લાગતું હતું કે બિહાર ચૂંટણીને હવે સમય વીતી ગયો હોવાથી તેઓએ પોતાને સંભાળી લીધા હશે, પરંતુ હવે દેખાઈ રહ્યું છે કે પરાજયની તેમના પર હજી પણ અસર છે. 

તેમણે બધા પક્ષોને જણાવ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર ન તો પરાજયનો બળાપો કાઢવાનું સ્થળ હોવું જોઈએ અને ન તો વિજયના જીતથી પેદા થયેલો ઘમંડ કે અભિમાન દર્શાવવાનું મેદાન બનવું જોઈએ. 

તેમણે જણાવ્યું હતું કે આ સત્રમાં એવા મુદ્દા પર ફોકસ હોવું જોઈએ જેથી સંસદ દેશ માટે શું વિચારી રહી છે, દેશ માટે શું કરવા ઇચ્છે છે અને દેશ માટે શું કરવા જઈ રહી છે તેનો ખ્યાલ આવે. વિપક્ષે પણ તેમા પોતાની જવાબદારી નીભાવવી જોઈએ અને ચર્ચામાં મજબૂત મુદ્દા ઉઠાવવા જોઈએ. 

પીએમ મોદીના ટોણા પર પ્રિયંકાનો વળતો પ્રહાર

સરકાર ચર્ચા કરવા ઇચ્છતી જ નથી તો ગૃહ કઈ રીતે ચાલે

નવી દિલ્હી : પીએમ મોદીએ સંસદમાં ડ્રામા નહીં ડિલિવરી જોઈએ તેવો ટોણો વિપક્ષને માર્યો તો તેના જવાબમાં કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ વળતો જવાબ આપતા હતું કે દિલ્હીમાં હવાનું પ્રદૂષણ અને મતદારયાદી સુધારણા ડ્રામા નથી, પરંતુ તેના પર ચર્ચા ન થવા દેવી તે ડ્રામાં છે. 

વડાપ્રધાનની ટિપ્પણીનો જવાબ આપતા કોંગ્રેસના વાયનાડના સાંસદે વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સર, ચૂંટણીની સ્થિતિ અને પ્રદૂષણ મોટા મુદ્દા છે. ચાલો તેના પર ચર્ચા કરીએ. સંસદ શેના માટે છે, આ કંઈ ડ્રામા નથી. કોઈ મુદ્દા પર બોલવું અને કોઈ મુદ્દા ઉઠાવવા ડ્રામા નથી.  ડ્રામામાં લોકોને સ્પર્શતી બાબતોને લઈને લોકશાહીના મુદ્દાઓની ચર્ચા ન થાય. વિપક્ષ સંસદમાં ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. તેમા મતદારયાદી સુધારણા (સર), બીએલઓ (બૂથ લેવલ ઓફિસર)ની આત્મહત્યા અને દસમી નવેમ્બરે દિલ્હીમાં થયેલા આતંકી હુમલા પછી રાષ્ટ્રીય સુરક્ષાની ચર્ચા કંઈ ડ્રામા નથી. 

તેમણે જણાવ્યું હતું કે ડ્રામાનો અર્થ કોઈ મુદ્દે ચર્ચા ન થવા દેવી તે છે. ડ્રામાનો અર્થ એવો થાય છે કે લોકોને સ્પર્શતા મુદ્દાઓ પર લોકશાહીપૂર્ણ ચર્ચા ન થવા દેવી. તેમણે દિલ્હીમાં એર ક્વોલિટીના મુદ્દાને શરમજનક ગણાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકાર કોઈ વિષય પર ચર્ચા કરવા માંગતી જ નથી. હવે સરકાર કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માંગતી જ ન હોય તો ગૃહ કઈ રીતે ચાલશે. 

શિયાળુ સત્રના પ્રથમ દિવસે વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમને તે વાતનું દુઃખ છે કે ગૃહને તેમની વિદાયની તક સુદ્ધા મળી ન હતી. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા પછી સીપી રાધાકૃષ્ણન  સભાપતિ તરીકે પહેલી વખત સત્રનું સંચાલન કરી રહ્યા છે. 

દિલ્હીમાં હવાનું પ્રદૂષણ, સર અને બીએલઓના મોત પર ચર્ચા ન થવા દેવી તે ડ્રામા છે ઃ પ્રિયંકા 

સંસદમાં વિપક્ષના હોબાળા વચ્ચે ત્રણ બિલ પસાર

નવી દિલ્હી : લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે નાણામંત્રી ત્રણ બિલ પસાર કરાવવામાં સફળ રહ્યા હતા. શિયાળુ સત્રના પ્રથમ દિવસે ટૂંકી ચર્ચા પછી મણિપુરમાં જીએસટી કાયદો પસાર કરવામાં આવ્યો હતો, મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન હોવાના કારણે વટહુકમને કાયદામાં પરિવર્તીત કરવા માટે સંસદની મંજૂરીની જરૂર હતી, જે લોકસભામાં મેળવી લેવાઈ હતી. આ ઉપરાંત આ ઉપરાંત તમાકુ અને તમાકુ સંલગ્ન ઉત્પાદનોની સાથે પાનમસાલા પર નવો સેસ લાદવામાં આવ્યો હતો. આના માટે સેન્ટ્રલ એકસાઇઝ (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૫ અને હેલ્થ સિક્યોરિટી એન્ડ નેશનલ સિક્યોરિટી સેસ બિલ ૨૦૨૫માં સુધારો મંજૂર કરવામાં આવ્યો હતો.