Get The App

યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ 1 - image

- યુજીસી નિયમો સવર્ણો વિરોધી હોવાનું કહી રાજીનામુ આપ્યું હતું

- નવા નિયમો અંગેની ગેરસમજ દૂર કરાશે, કોઇ સાથે ભેદભાવ નહીં થવા દઇએ : મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ખાતરી

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સરકારે બરેલીના સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીને તેમના રાજીનામા બાદ હવે સસ્પેન્ડ કરી દીધા છે. એક દિવસ અગાઉ જ અગ્નિહોત્રીએ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના નવા કાયદાને પરત લેવાની માગ કરી હતી. સાથે જ પોસ્ટરમાં લખ્યું હતું કે શંકરાચાર્ય અને સંતોનું આ અપમાન સહન નહી કરી લેવાય. તેમણે પોસ્ટરમાં લખ્યું હતું કે યુજીસીનો કાળો કાયદો પરત લો.   

સિટી મેજિસ્ટ્રેટ અલંકારે પોતાના પદ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી, સાથે જ તેમણે જિલ્લા પ્રશાસન અને જિલ્લા અધિકારી પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે મને આ અધિકારીઓના ઘર પર બળજબરીથી ૪૫ મિનિટ સુધી બેસાડી રખાયો હતો. આ દરમિયાન કોઇનો ફોન આવ્યો હતો જેમાં તેણે બ્રાહ્મણો અંગે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જ્યારે પ્રશાસનનો દાવો છે કે તેમના પર કોઇ પણ પ્રકારનું દબાણ નહોતું. 

અલંકાર દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું તે બાદ સરકારે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે કહ્યું હતું કે યુજીસીના નવા નિયમો સામાન્ય વર્ગ, ખાસ કરીને સવર્ણ સમાજના બાળકોનું ભવિષ્ય ખતરામાં મુકી શકે છે. નિયમો મુજબ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ભૂમિહાર સમાજ જેવા સામાન્ય કેટેગરીના લોકોને ગુનેગાર જોવામાં આવી રહ્યા છે.  વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે યુજીસીના નવા નિયમોથી કોઇની પણ સાથે ભેદભાવ નહીં થાય તેની હું ખાતરી આપું છું. શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે કોઇનું પણ ઉત્પિડન થવા નહીં દઇએ, ભેદભાવના નામે કોઇ પણ વ્યક્તિને કાયદાનો દુરૂપયોગ કરવાનો અધિકાર નથી. કાયદાનો નિષ્પક્ષ અમલ થાય તે જોવાની યુજીસી, કેન્દ્ર-રાજ્ય સરકાર તમામની સંયુક્ત જવાબદારી છે. બીજી તરફ સરકાર યુજીસીના નવા નિયમો અંગે ગેર સમજ દૂર કરવા જે સત્ય છે તેને જાહેર કરશે.