ઓપરેશન સિંદૂર ચાલુ જ છે, અત્યાર સુધી 100 આતંકી ઠાર, વિપક્ષ પણ સરકારની સાથે: રાજનાથ સિંહ
Operation Sindoor: કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે મહત્ત્વનું નિવેદન કર્યું છે. તેમણે કહ્યું છે કે, ‘ઓપરેશન સિંદૂર હજુ પૂરું નથી થયું. હાલમાં કરાયેલી એર સ્ટ્રાઇકમાં ઓછામાં ઓછા 100 આતંકવાદીઓ માર્યા ગયા છે. ઓપરેશન સિંદૂર હેઠળ બુધવારે રાત્રે ભારતીય સેનાની એર સ્ટ્રાઇકમાં પાકિસ્તાન અને POKમાં ઓછામાં ઓછા 9 આતંકી ઠેકાણાં નષ્ટ કર્યા હતા.’
જો પાકિસ્તાન હુમલો કરશે તો...
રાજનાથ સિંહે આગળ જણાવ્યું કે, ‘જો પાકિસ્તાન હુમલો કરશે, તો ભારત તેને આકરો જવાબ આપતો હુમલો કરશે. ઓપરેશનની ટેક્નિકલ વિગતો હાલ જાહેર કરી શકાય નહીં.’
ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં આ ઓપરેશન અંતર્ગત ભવિષ્યની વ્યૂહનીતિની ચર્ચા કરવામાં આવી હતી. સરકાર વતી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કિરેન રિજિજુ, જે.પી. નડ્ડા હાજર રહ્યા હતા.
સંકટ સમયમાં અમે સરકારની સાથેઃ ખડગે
સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોએ ભારતીય સેના અને કેન્દ્ર સરકારની કાર્યવાહીના વખાણ કર્યા હતા. તેમજ આ ઓપરેશન સિંદૂરમાં તેઓએ સરકારને સમર્થન આપ્યું હતું. બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, ‘આ સંકટના સમયે અમે સરકારની સાથે છીએ. ’
રાહુલ ગાંધીનું પણ કેન્દ્રને સમર્થન
આ સર્વપક્ષીય બેઠક પૂર્ણ થયા બાદ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'અમારું સરકારને સંપૂર્ણ સમર્થન છે. આ મુદ્દે તમામ પક્ષોએ સરકારને સમર્થન આપ્યું છે. આ બેઠકમાં થયેલી અમુક ગુપ્ત વાત જાહેર કરી શકાય નહીં.'
તો લોકસભાના સાંસદ AIADMKના અસદુદ્દીન ઔવેસીએ જણાવ્યું હતું કે, ‘સર્વપક્ષીય બેઠકમાં મેં કેન્દ્ર સરકાર અને ભારતીય સેનાના વખાણ કર્યા છે. અમે સરકાર સમક્ષ માગ મૂકી છે કે, આપણે TRF વિરુદ્ધ વૈશ્વિક સ્તરે અભિયાન ચલાવવાની જરૂર છે. તેમજ ચીનને પણ સમજાવવાની જરૂર છે કારણકે, આપણે તેની સાથે મોટાપાયે વેપાર કરી રહ્યા છીએ.’
ફેક ન્યૂઝ ન ફેલાય તેનું ધ્યાન રાખીશુંઃ રિજિજુ
બીજી તરફ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું હતું કે, ’ઓપરેશન સિંદૂર બાદ ઘણાં ફેક ન્યૂઝ વાયરલ થયા છે. હું તમામને કોઈપણ પ્રકારની ખોટી માહિતી કે ખોટા સમાચાર પર વિશ્વાસ કરશો નહીં. માત્ર અધિકૃત સમાચાર પર જ વિશ્વાસ કરો. રાજકીય પક્ષો જનતાનો અવાજ છે. નેતાઓ તેને અવાજ આપે છે. આ જ અમારી સફળતા છે કે, અમે સૌ સાથે છીએ.’
ઓપરેશન સિંદૂર અંગે રિજિજુએ કહ્યું હતું કે, ‘આ ઓપરેશન હજુ ચાલુ છે. અત્યાર સુધી 100 આતંકી ઠાર મરાયા છે. જો પાકિસ્તાન હુમલો કરશે, તો ભારત પીઠેહઠ નહીં કરે. આ મુદ્દે વિપક્ષ પણ અમારી સાથે છે.’