Operation Sindoor : એરપોર્ટ બંધ... રાજકોટ, ભુજ, જામનગર સહિતની 430 ફ્લાઈટ કેન્સલ, તંગદિલી વચ્ચે નિર્ણય
Flight Cancelled : ભારતીય સેનાએ પહલગામ હુમલાનો પાકિસ્તાનને જડતાતોડ જવાબ આપી દીધો છે. સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઈક કરી ધડબડાટી બોલાવી દીધી છે. સેનાએ 6-7 મેની મોડી રાત્રે આ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકીઓને ઠેકાણા ધ્વસ્ત થઈ ગયા છે. હુમલા બાદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે વળતી કોઈપણ કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો છે, જોકે તેમ છતાં ભારતે પાકિસ્તાનના વળતા પ્રહારની ચોતરફ તૈયારીઓ કરી રાખી છે. ભારતે તૈયારીઓના ભાગરૂપે દેશના 18 એરપોર્ટ બંધ કરી દીધા છે.
એર સ્ટ્રાઈક બાદ આ એરપોર્ટો બંધ કરાયા
પહલગામમાં આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારતે જોરદાર બદલો લીધો છે. જોકે ભારત પાકિસ્તાનના કોઈપણ હુમલો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયાર છે. ભારતે સાવધાનીના ભાગરૂપે ઉત્તર અને પશ્ચિમ ભારતના 18 એરપોર્ટ અસ્થાયીરૂપે બંધ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમાં શ્રીનગર એરપોર્ટ, લેહ, જમ્મુ, અમૃતસર, પઠાણકોટ, ચંદીગઢ, જોધપુર, જેસલમેર, શિમલા, ધર્મશાળા અને જામનગરનો સમાવેશ થાય છે.
430 ફ્લાઈટો કેન્સલ
ભારતની ત્રણેય સેનાઓ દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરાયા બાદ એરપોર્ટ કરવામાં આવતા અનેક ફ્લાઈટોને સીધી અસર પડી છે. ફ્લાઈટરડાર-24ના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં કુલ 430 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. સૌથી વધુ ઈન્ડિગો એરલાઈન્સ (IndiGo Airlines)ની 160 ફ્લાઈટો કેન્સલ કરવામાં આવી છે.
કેન્સલ ટિકિટ, રી-શેડ્યૂલનો ચાર્જ ફ્રી કરાયો
આ મામલે એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પર કહ્યું છે કે, જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંડીગઢ અને રાજકોટ એરપોર્ટની ફ્લાઈટો 10 મે સવારે 5.29 કલાક સુધી રદ કરવામાં આવી છે અને ટિકિટ કેન્સલ કરવાનો અથવા રી-શેડ્યૂલ કરવા પર લાગતો ચાર્જ ફ્રી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાનની માન્ય ટિકિટના રી-શેડ્યૂલિંગ ફી પર એક વખતની છૂટ આપવામાં આવશે.
મુસાફરોને અપડેટ રહેવાની અપીલ
ઈન્ડિગો એરલાઈન્સે મુસાફરોને સલાહ આપતા કહ્યું છે કે, એરપોર્ટ પર પહોંચતા પહેલા તેઓ પોતાની ફ્લાઈટની સ્થિતિ અંગે અપડેટ રહે. સ્પાઈસ જેટ એરલાઈન્સ (SpiceJet Airlines)એ કહ્યું કે, ધર્મશાળા, લેહ, જમ્મુ, શ્રીનગર અને અમૃતસર સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં એરપોર્ટો આગામી નોટિસ સુધી બંધ રહેશે, આવી સ્થિતિમાં ફ્લાઈટો પ્રભાવિત થઈ શકે છે. અકાસા એરે પણ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું છે કે, વર્તમાન સ્થિતિના કારણે શ્રીનગરની અને ત્યાંથી તેની તમામ ફ્લાઈટો રદ કરી દેવાઈ છે.