India

ઓપરેશન સિંદૂર :ચર્ચા માટે વિપક્ષોનો હોબાળો અંતે 16 કલાક ચર્ચા માટે મોદીની તૈયારી

By GS TEAM
22 Jul 20253 mins read
ઓપરેશન સિંદૂર :ચર્ચા માટે વિપક્ષોનો હોબાળો અંતે 16 કલાક ચર્ચા માટે મોદીની તૈયારી

- ઓપરેશન સિંદૂર મુદ્દે સંસદમાં ભારે હોબાળો, ગૃહની કાર્યવાહી સ્થગિત

- એક બે નહીં પણ 24 વખત ટ્રમ્પે દાવો કર્યો કે ભારત-પાક. યુદ્ધ તેમણે અટકાવ્યું, આ અપમાનજનક કહેવાય : ખડગે

નવી દિલ્હી : લોકસભા અને રાજ્યસભામાં ચોમાસુ સત્ર શરૂ થઇ ગયું છે. જોકે સત્રના પ્રથમ દિવસે જ બન્ને ગૃહમાં ઓપરેશન સિંદૂર સહિતના મુદ્દે ભારે હોબાળો જોવા મળ્યો હતો. જેને પગલે દિવસભર માટે સંસદની કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી.  વિપક્ષે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માગ કરી હતી, જેથી સરકાર આ મુદ્દે ૧૬ કલાક ચર્ચા કરવા તૈયાર થઇ ગઇ છે.

સોમવારે બપોરે ૧૨ વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થતા વિપક્ષના સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા અને સુત્રોચ્ચાર કર્યો હતો, વિપક્ષ ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માગણી કરી રહ્યો છે, ભારે હોબાળો થતા કાર્યવાહી સ્થગીત કરવી પડી. બાદમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અમે બે શબ્દો બોલવા માગતા હતા પરંતુ અમને બોલવાની મંજૂરી ના મળી. સત્તાપક્ષના લોકોને જ બોલવાની છૂટ અપાઇ રહી છે. જ્યારે રાજ્યસભામાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત-પાક. યુદ્ધ અંગેના નિવેદન પર હોબાળો થયો હતો. 

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ૨૨મી એપ્રીલે પહલગામમાં આતંકી હુમલો થયો હતો, આ હુમલો કરનારા આતંકીઓ ના તો પકડાયા છે ના તો માર્યા ગયા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક કે બે વખત નહીં પણ ૨૪ વખત કહ્યું છે કે મારા કહેવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકી ગયું હતું. ટ્રમ્પનો આ દાવો સમગ્ર દેશ માટે અપમાનજનક બાબત છે. જ્યારે રાજ્યસભામાં ભાજપના નેતા જે. પી. નડ્ડાએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે અમે ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ઓપરેશન સિંદૂર પર ચર્ચા માટે લોકસભામાં ૧૬ કલાક ફાળવાશે.  દરમિયાન જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગ પ્રસ્તાવને લઇને લોકસભામાં ૧૪૫ સાંસદો જ્યારે રાજ્યસભામાં વિપક્ષના ૬૩ સાંસદોએ આવેદન જમા કરાવ્યું હતું.

90 કરોડ લોકોને આરોગ્ય વીમા કવચ મળ્યું

સંસદનું ચોમાસુ સત્ર જાણે વિજયોત્સવ હિંસા પર બંધારણનો વિજય : મોદી

- ઓપરેશન સિંદૂરમાં દેશના લશ્કરના સામર્થ્યને આખા વિશ્વએ નજરે નીહાળ્યું

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના ચોમાસુ સત્રને જાણે વિજયોત્સવ ગણાવ્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બધા જ સાંસદો આ જ પ્રકારનો આત્મવિશ્વાસ ધરાવતા હશે. તેની સાથે દેશમાં ખતમ થઈ રહેલા નક્સલવાદને ધ્યાનમાં લઈને તેને હિંસા પર બંધારણનો વિજય ગણાવ્યો હતો. 

સત્ર શરૂ થયા પહેલાના સંબોધનમાં પીએમ મોદીએ દેશ માટેના કેટલાક હકારાત્મક ડેવલપમેન્ટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે બોમ્બ અને ગન્સની સામે બંધારણનો વિજય થયો છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં નક્સલવાદ ઝડપથી ખતમ થઈ રહ્યો છે અને તેના કારણે રેડ ઝોન હવે ગ્રીન ગ્રોથ ઝોન બની રહ્યો છે. 

તેમણે જણાવ્યું હતું કે પહલગામ હુમલામાં ૨૬ નિર્દોષ પ્રવાસીઓની હત્યાએ આખા વિશ્વનું ધ્યાન આતંકવાદ પર ખેંચ્યુ હતુ અને લશ્કરે ઓપરેશન સિંદૂર દ્વારા વળતો પ્રહાર કરીને સો ટકા લક્ષ્યાંક હાંસલ કર્યુ હતું. તેમણે ભારતીય લશ્કરી દળોના વખાણ કરતાં જણાવ્યું હતું કે ફક્ત ૨૨ મિનિટમાં જ તેઓએ આતંકવાદની કમર તોડી નાખી હતી. તેના પછી સિંદૂર પછીની ડિપ્લોમસી માટે ભારતે વિવિધ દેશોમાં તેના પ્રતિનિધિઓ મોકલ્યા હતા તે બધાના પીએમ મોદીએ વખાણ કર્યા હતા. 

તેની સાથે તેમણે ઉમેર્યુ હતું કે દેશના જળાશયોનું સ્તર દાયકા અગાઉના સ્તર કરતાં ત્રણ ગણુ વધારે છે અને ફુગાવો બે ટકાએ છે. જ્યારે અમે સત્તા પર આવ્યા ત્યારે ફુગાવો ડબલ ફિગરમાં હતો. છેલ્લો એક દાયકો શાંતિ અને સમૃદ્ધિનો હોવાનો તેમણે દાવો કર્યો હતો. વૈશ્વિક સંસ્થાઓના રિપોર્ટને ટાકીને તેમણે જણાવ્યું હતું કે ૨૫ કરોડ લોકો આ સમયગાળા દરમિયાન ગરીબીમાથી બહાર આવ્યા છે. ૯૦ કરોડ લોકોને રાષ્ટ્રીય આરોગ્ય વીમા હેઠળ આવરી લેવાયા છે. આજે યુપીઆઈ વિશ્વની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનવા જઈ રહી છે. ભારતનું અર્થતંત્ર આગામી સમયમાં વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનશે.