Operation Sindoor | 90થી વધુ આતંકીઓનો સફાયો, ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો
Indian Forces Strike Terror Camps in Pakistan and PoK : ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એર સ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. જાણો તમામ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ...
90થી વધુ આતંકીઓનો સફાયો
ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 90થી વધુ આતંકીઓનો સફાયો થઈ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરદીકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન સામે સેનાની આકરી કાર્યવાહી
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. એર સ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે, કે 'ન્યાય થયો, જય હિન્દ'.
મિસાઇલથી કરાઈ એર સ્ટ્રાઈક
ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે.
ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.
ભારતના ત્રણ લોકોના નિધન
ભારતની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના નિધન થયાની પુષ્ટિ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે.
ટ્રમ્પનું નિવેદન
એર સ્ટ્રાઈક બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે, કે 'આશા છે કે આ જલ્દી સમાપ્ત થશે. હું ઑફિસથી અંદર આવી રહ્યો હતો અને હાલ જ આ સમાચાર મને મળ્યા. મને તો લાગે છે કે કંઈક થવાનું છે તેવો અંદાજ પહેલેથી જ હતો.
ઉડાનો રદ
એરઇન્ડિયાએ ચંદીગઢ, જમ્મુ, લેહ, શ્રીનગર, જામનગર, રાજકોટ, ભુજ, જોધપુર, અમૃતસર, જમ્મુની બપોર 12 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરી.
આતંકીઓના ઠેકાણા તબાહ
પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.