ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર, બંને દેશને અભિનંદન અને આભાર: ટ્રમ્પ
Trump Claims India and Pakistan Agree to Ceasefire : ઓપરેશન સિંદૂર બાદથી બેબાકળું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે.
ટ્રમ્પનો દાવો- ભારત અને પાકિસ્તાન બંને દેશો તૈયાર
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધવિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના'
અમે PM મોદી અને PM શરીફ સાથે વાત કરી: અમેરિકાના વિદેશમંત્રીનો દાવો
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ X પર પોસ્ટ કરીને દાવો કર્યો છે, કે 'છેલ્લા 48 કલાકમાં મેં અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ભારત અને પાકિસ્તાનના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે પણ સંવાદ કરાયો છે. જે બાદ ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધવિરામ માટે રાજી થયા છે.'
ભારતીય વિદેશમંત્રાલયે પણ યુદ્ધવિરામની પુષ્ટિ કરી
ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ યુદ્ધવિરામની જાહેરાત કરતાં કહ્યું છે, કે 'પાકિસ્તાનના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (DGMO)એ ભારતના DGMOને બપોરે 3.35 વાગ્યે ફોન કર્યો હતો. જે બાદ બંને દેશો જમીન, વાયુ અને સમુદ્રમાં સાંજે 5.00 વાગ્યાથી ફાયરિંગ અને સૈન્ય કાર્યવાહી બંધ કરવા તૈયાર થયા. બંને દેશોના DGMO 12મી તારીખે બપોરે 12 વાગ્યે ફરી વાતચીત કરશે.'