ઓપરેશન મહાદેવ : પહલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મુસા ઠાર
- સોનમર્ગ હુમલાના આતંકી સહિત બેનાં પણ એન્કાઉન્ટર
- માર્યો ગયેલો માસ્ટરમાઇન્ડ મુસા પાક. સૈન્યમાં કમાન્ડો હતો પછી તોયબામાં જોડાઇને ભારતમાં ઘૂસ્યો હતો
- ડ્રોન, થર્મલ ઇમેજિંગની મદદથી સર્ચ ઓપરેશન કરાયું એન્કાઉન્ટર સ્થળેથી એકે-૪૭, ગ્રેનેડ, આઇઇડી જપ્ત
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં એપ્રીલ મહિનામાં જે આતંકી હુમલો થયો હતો તેનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તોયબાનો ટોચનો કમાન્ડર હાશિમ મુસા સૈન્યના એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
સોમવારે જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં સૈન્યએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા આ ત્રણ આતંકીઓમાં મુસાનો પણ સમાવેશ થાય છે કે જેને પહલગામ હુમલા બાદથી જ પોલીસ તેમજ સુરક્ષાદળો શોધી રહ્યા હતા.
જમ્મુ કાશ્મીરમાં સોમવારે થયેલા એન્કાઉન્ટરમાં જે ત્રણ આતંકીઓ માર્યા ગયા છે તેમના નામ મુસા ઉર્ફ શાહ સુલેમાન, અબૂ હમઝા અને મોહમ્મદ યાસિર છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ હાશિમ મુસા પાકિસ્તાની સૈન્યમાં સ્પેશિયલ સર્વિસ ગુ્રપ એસએસજીમાં પેરા કમાન્ડો તરીકેની ટ્રેનિંગ લઇ ચુક્યો હતો. પાકિસ્તાની સૈન્ય છોડીને તે આતંકી સંગઠન લશ્કર-એ-તોયબામાં સામેલ થયો હતો. જે બાદથી જ તેણે આતંકી પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું.
પહલગામ હુમલાના ૯૬ દિવસ બાદ શરૂ થયેલા ઓપરેશન મહાદેવમાં સૈન્ય હાશિમ મુસાને ખતમ કરવામાં સફળ રહ્યું છે. સૈન્યએ આતંકીઓને શોધવા માટે ડ્રોન, થર્મલ ઇમેજિંગ અને સુત્રો દ્વારા આતંકીઓના છુપાવાનું સ્થળ શોધી કાઢ્યું, જે બાદ સોમવારે સવારે સૈન્ય દ્વારા જંગલોમાં શોધખોળ અભિયાન શરૂ કરાયું, આતંકીઓને સૈન્યની જાણકારી મળતા ગોળીબાર કર્યો હતો, બાદમાં સૈન્ય દ્વારા જવાબી કાર્યવાહી શરૂ કરાઇ. બન્ને તરફથી સામસામે આશરે છ કલાક સુધી ગોળીબાર થયો હતો જેમાં અંતે ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. એન્કાઉન્ટર સ્થળેથી એકે-૪૭, ગ્રેનેડ અને આઇઇડી મળી આવ્યા છે. જ્યારે મુસા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ અને સેટેલાઇટ ફોન પણ મળ્યો છે જેની મદદથી તે પાક.ની જાસૂસી સંસ્થા આઇએસઆઇના સંપર્કમાં રહેતો હતો. આ એન્કાઉન્ટર સ્થળની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
20 લાખનું ઇનામ હતું
એવા દાવા થઇ રહ્યા છે કે ડિસેમ્બર ૨૦૨૩માં મુસાએ ભારતમાં પ્રવેશ કર્યો હતો જે બાદ દક્ષિણ કાશ્મીરમાં તેણે આતંકી પ્રવૃત્તિ શરૂ કરી દીધી હતી. મુસાને આ વર્ષે એપ્રીલ મહિનામાં થયેલા પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે જેના પર ૨૦ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું.