હિન્દુ સમાજની એકતા જ શક્તિશાળી અને ધર્મનિષ્ઠ ભારત બનાવી શકશે : ભાગવત
- હિન્દુ સમાજ સશક્ત હશે તો જ ભારત ગૌરવ પ્રાપ્ત કરી શકશે : આરએસએસ
- આપણી સુરક્ષા જાતે જ કરવી પડશે, બાંગ્લાદેશના હિન્દુઓ પણ હવે ત્યાં રહીને પોતાના અધિકારો માટે લડવા તૈયાર : મોહન ભાગવત
- દુનિયામાં કૃષિ, ઔદ્યોગિક, વૈજ્ઞાાનિક ક્રાંતિઓ થઈ, હવે ધાર્મિક ક્રાંતિની જરૂર, વિશ્વને નવો રસ્તો ભારતે જ બતાવવો પડશે : સંઘ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં મોહન ભાગવતની મુલાકાત પ્રકાશિત થઈ છે. બેંગ્લુરુમાં બે મહિના પહેલા યોજાયેલી સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા પછી આ મુલાકાત લેવાઈ છે. આ મુલાકાતમાં મોહન ભાગવત કહે છે, આપણી સરહદો પર દુશ્મનો સતત સક્રિય છે. આપણે મજબૂરીમાં શક્તિશાળી બનવું પડશે, જેથી આપણે જાતે જ આપણી સુરક્ષા કરી શકીએ. આપણે અન્યો પર નિર્ભર રહી શકીએ નહીં. હિન્દુ સમાજની એકતા પર ભાર મૂકતા તેમણે કહ્યું કે, ભારતની એકતા જ હિન્દુઓની સુરક્ષાની ખાતરી છે. હિન્દુ સમાજ અને ભારત એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. હિન્દુ સમાજ સશક્ત હશે તો જ ભારત ગૌરવ પ્રાપ્ત કરી શકશે. હિન્દુ સમાજ પોતે મજબૂત નહીં થાય ત્યાં સુધી દુનિયામાં કોઈ તેના અંગે ચિંતા નહીં કરે.
સંઘની દૈનિક પ્રાર્થનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આપણે પ્રાર્થના કરીએ છીએ કે અજચ્યં ચ વિશ્વસ્ય દેહિ મે શક્તિ - એટલે કે એવી શક્તિ આપો જે અમને વિશ્વમાં અજેય બનાવે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તાકાત એકલી કામ નહીં લાગે. તેની સાથે ધર્મ અને સદાચારને પણ જોડવા પડશે. માત્ર બળ હોય અને કોઈ દિશા ના હોય તો તે હિંસક બની જાય છે. તેમણે ઉમેર્યું કે, કોઈ વિકલ્પ ના હોય તો દુષ્ટ શક્તિઓનો ખાત્મો બળપૂર્વક કરવો પડે છે. આપણે જે શક્તિ જોઈએ છે તે દુનિયા પર રાજ કરવા માટે નથી જોઈતી. આપણને શક્તિ એટલા માટે જોઈએ છે જેથી પ્રત્યેક લોકો શાંતિ, સ્વાસ્થ્ય અને સન્માનથી જીવી શકે. તેમણે એમ પણ કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ હિન્દુઓ પર અત્યાચાર થતો હોય તો આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરતા તેના માટે કામ કરવું જોઈએ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયો તો ભારતમાં લોકોએ જે પ્રકારે નારાજગી વ્યક્ત કરી તે પહેલાં ક્યારેય જોવા મળી નહોતી. હવે બાંગ્લાદેશના હિન્દુઓ પણ કહેવા લાગ્યા છે કે અમે ભાગીશું નહીં, પરંતુ પોતાના અધિકારો માટે લડીશું.
સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે, આગામી ૨૫ વર્ષમાં સંગઠનનો સંકલ્પ છે આખા હિન્દુ સમાજને એક કરવો અને ભારતને વિશ્વગુરુ બનાવવું. તેમણે સમાજને આગ્રહ કર્યો કે, તેઓ પોતાના અંગત, પારિવારિક, સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં હિન્દુત્વ સાથે સંકળાયેલા ધાર્મિક મૂલ્યોને અપનાવે. તેમણે ઉમેર્યું કે, કૃષિ, ઔદ્યોગિક અને વૈજ્ઞાાનિક ક્રાંતિઓ થઈ ગઈ છે, હવે દુનિયાને ધાર્મિક ક્રાંતિની જરૂર છે. મોહન ભાગવતે સ્પષ્ટ કર્યું કે, અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય સાથે નથી, પરંતુ માનવ જીવનને સત્ય, પવિત્રતા, કરુણા અને તપસ્યાના આધારે પુનર્ગઠિત કરવા સાથે છે. દુનિયા એક નવો રસ્તો શોધી રહી છે અને આ રસ્તો ભારતે બતાવવો પડશે. આ આપણું દૈવી કર્તવ્ય છે.