Get The App

ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
ઓનલાઇન મની ગેમ્સ 45 કરોડ લોકોને વર્ષે રૂ. 20,000 કરોડનો ફટકો 1 - image


- કેન્દ્રએ લોકસભામાં ઓનલાઇન ગેમ્સ બિલ પસાર કર્યું

- કાયદો બનતા 400 કંપનીઓ બંધ થઈ જશે, બે લાખ લોકો નોકરી ગુમાવશે સેલીબ્રીટીઓ, ફિલ્મસ્ટાર અને ક્રિકેટ સ્ટારો ઓનલાઇન ગેમ્સનો પ્રચાર નહીં કરી શકે 

- ઇ-સ્પોર્ટ્સ અને સોશ્યલ ગેમ્સને મંજૂરી આપવામાં આવી અને મની ગેમ્સ પર સરકારે પ્રતિબંધ લાદ્યો

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ઓનલાઇન ગેમિંગને નિયંત્રિત કરતું મહત્ત્વનું બિલ લોકસભામાં પસાર કરી દીધું છે. તેનો હેતુ ઓનલાઇન મની ગેમ્સ અને સટ્ટાખોરીને સંપૂર્ણપણે રોકવાનો અને ઇ-સ્પોર્ટ્સ તેમજ સોશિયલ ગેમ્સને પ્રોત્સાહન આપવાનો છે. એક અંદાજ મુજબ દર વર્ષે ૪૫ કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને ૨૦ હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.

કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે ઓનલાઇન ગેમ્સથી લોકોને થઈ રહેલા નાણાકીય અને સામાજિક નુકસાનને રોકવા માટે તે આ બિલ લાવી છે. આ બિલનું નામ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઇન ગેમિંગ બિલ ૨૦૨૫ છે. આ ગેમ્સની લત ફક્ત નાણાકીય નુકસાન જ નહીં પણ એક સામાજિક સંકટ બની ચૂકી છે. કેટલાય લોકોએ આ ગેમ્સના ચક્કરમાં આવીને આત્મહત્યા કરી છે.

ઓનલાઇન ગેમિંગ બિલના ત્રણ મુખ્ય હિસ્સા છે. તેમા આ બિલ દ્વારા પહેલી વખત ઇ-સ્પોર્ટ્સને માન્યતા આપવામાં આવી રહી છે. અત્યાર સુધી દેશમાં સ્પોર્ટ્સ ગેમ્સ માટે કોઈ કાયદાકીય આધાર ન હતો. તેની આગામી માર્ગદર્શિકાઓ રમતગમત મંત્રાલય દ્વારા નક્કી કરવામાં આવશે.  આ ઉપરાંત સરકારે ઓનલાઇન સોશ્યલ ગેમ્સને કાયદાકીય માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગેમ્સ સામાન્ય લોકોના એજ્યુકેશન માટે કામ આવે છે.તેની માર્ગદર્શિકાઓ આગામી સમયમાં માહિતી અને ઇલેકટ્રોનિક મંત્રાલય નક્કી કરશે.

આ બંને ગેમથી વિપરીત ઓનલાઇન મની ગેમ્સ પર સરકારે પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ગેમ્સમાં નાણાકીય લેવડદેવડ થાય છે. આ ગેમ્સને પ્રમોટ કરનારા અને આવી ગેમિંગ સર્વિસ આપતી કંપનીઓ સામે પણ આકરી કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ છે. આના પગલે ઓનલાઇન ગેમ્સનો પ્રચાર કરનારા અને ફંડ ટ્રાન્સફર કરનારા પર સરકાર ત્રાટકશે. આના કારણે ક્રિકેટરો અને ફિલ્મસ્ટારો તેનો પ્રચાર નહી કરી શકે. તાજેતરમાં જ એક ક્રિકેટરને આવી જ એક ગેમ્સના પ્રચારને લઈને સરકારી એજન્સીઓએ બોલાવ્યો હતો. આ ગેમ્સ દ્વારા મોાટાપાયા પર મની લોન્ડરિંગ થતું હોવાનું માનવામાં આવે છે. સરકારે આવી જ એક ગેમિંગ કંપનીને પકડી હતી, જેણે લગભગ ૨,૮૦૦ કરોડ રુપિયાનુ મની લોન્ડરિંગ કર્યુ હતું. 

ઓનસાઇન મની ગેમ્સની સર્વિસ આપનારને ત્રણ વર્ષની જેલ કે એક કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જ્યારે તેની જાહેરાત કરનારને બે વર્ષ સુધીની કેદ અને ૫૦ લાખ સુધીના દંડની સજા થશે. જો કોઈ આ નિયમોનો વારંવાર ભંગ કરે છે તો તેની સજા વધીને પાંચ વર્ષની થઈ શકે છે અને દંડ પણ વધશે. ઓનલાઇન ગેમિંગ ફેડરેશન એઆઇજીએફ)ના ચીફ એક્ઝિક્યુટિવ રોલેન્ડ લેન્ડર્સ મુજબ આ સેક્ટર હવે બે અબજ ડોલર એટલે કે ૧૭ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું થઈ ચૂક્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં સેક્ટરને ૩૧ હજાર કરોડની આવક થઈ હતી અને રૂ. ૨૦,૦૦૦ કરોડનો પ્રત્યક્ષ અને પરોક્ષ વેરો ચૂકવાયો હતો. આ બિલ કાયદો બનતા જ ૪૦૦થી વધુ કંપનીઓ બંધ થઈ શકે છે અને બે લાખથી વધુ નોકરીઓ ખતમ થઈ જશે એમ તેમનું કહેવું છે. 

Tags :