કોરોનાનો એક દર્દી મહિનામાં 409ને ચેપ ફેલાવે છે : આરોગ્ય મંત્રાલય
- દેશમાં કોરોના પોઝિટિવ કેસ 5,000ને પાર, વધુ 24ના મોત સાથે મૃત્યુઆંક 162
- કોરોનાનો પ્રસાર ન અટકતાં લોકડાઉન લંબાવવા વિચારણા : મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 1,000ને પાર, મૃત્યુઆંક 64 : દિલ્હીના હોટસ્પોટ વિસ્તારોમાં કોવિડ-19ના 1 લાખ રેન્ડમ રેપિડ ટેસ્ટ કરાયા
નવી દિલ્હી, તા. 07 એપ્રિલ 2020, મંગળવાર
દેશમાં મંગળવારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૦૦૦ને પહોંચી ગઈ હોવાથી કોવિડ-૧૯નો પ્રસાર અટકાવવા માટે ૧૪મી એપ્રિલે પૂરું થઈ રહેલું ૨૧ દિવસનું લોકડાઉન લંબાવવા અંગે કેટલાક રાજ્યોમાં ગંભીર વિચારણા ચાલી રહી છે. કેટલાક રાજ્યો અને નિષ્ણાતોએ સરકારને લોકડાઉન ૧૪મી એપ્રિલથી પણ આગળ લંબાવવા સૂચન કર્યું છે ત્યારે આઈસીએમઆરના એક અભ્યાસમાં જણાવાયું હતું કે કોરોનાનો એક દર્દી ૩૦ દિવસમાં ૪૦૬ લોકોને કોરોનાનો ચેપ ફેલાવી શકે છે. આથી સરકારે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા આગોતરાં પગલાંઓ પર ભાર મૂકવાની જરૂર છે તેમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું.
સ્વાસ્થ્ય મંત્રાલયે દૈનિક પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ મંગળવારે દેશમાં કોરોનાથી ૧૨૪ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે કુલ ૪,૭૮૯ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૪૦૦ લોકો સાજા થયા છે. પરંતુ પીટીઆઈની રાજ્યવાર ટેલી મુજબ દેશમાં કોરોનાથી ૧૬૮ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે કુલ ૫,૧૯૨ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૪૩૭ લોકો સાજા થયા છે. પીટીઆઈના આંકડાને ધ્યાનમાં લઈએ તો દેશમાં ૨૪ કલાકમાં ૨૪ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૫૦૯ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૧.૧ લાખ લોકોના ટેસ્ટ થયા હોવાનું સરકારે જણાવ્યું હતું.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અભ્યાસને ટાંકીને સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિવારક પગલાંઓનો અમલ ન થાય તો કોરોનાનો એક દર્દી ૩૦ દિવસમાં ૪૦૬ લોકોમાં ચેપ ફેલાવી શકે છે. પરંતુ આપણે નિવારક પગલાં લઈએ તો આ જ સમયમાં પ્રતિ દર્દી સંક્રમણના પ્રસારની સરેરાશ માત્ર ૨.૫ વ્યક્તિ સુધી મર્યાદિત કરી શકાય છે.
બીજીબાજુ દેશવ્યાપી લોકડાઉન ૧૪મી એપ્રિલે પૂરું થઈ રહ્યું હોવાથી તે લંબાવવું કે નહીં તે અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકારોમાં ચર્ચા થઈ રહી છે. કેટલાક રાજ્યોએ કોરોનાના હોટસ્પોટ તરીકે ઓળખી કાઢવામાં આવેલા વિસ્તારોમાં 'ક્લસ્ટર કન્ટેઈનમેન્ટ' યોજનાને મજબૂત બનાવવા અને તેમના ટેસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવાની યોજનાઓની જાહેરાત કરી છે. ઉપરાંત કૃષિ અને અસંગઠિત કામદાર સેક્ટર સહિત કેટલાક સેક્ટર્સને સંપૂર્ણ લોકડાઉનમાંથી આંશિક રાહત આપવા અંગે પણ વિચારણા ચાલી રહી છે.
સરકારે જણાવ્યું હતું કે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે કોરોનાનો પ્રસાર ભારતમાં વ્યાપક સ્તરે અટકાવવામાં આપણને સફળતા મળી છે. જોકે, લોકડાઉન લંબાવવા અંગેનો નિર્ણય ૧૪મી એપ્રિલની પરિસ્થિતિઓના આધારે લેવામાં આવશે. હાલ આ લોકડાઉન સરકાર ૧૪મી એપ્રિલથી પણ આગળ લંબાવે તેવા સંકેતો મળી રહ્યા છે.
સૂત્રોનું કહેવું છે કે અનેક રાજ્ય સરકારોએ કેન્દ્રને લોકડાઉનનો સમય લંબાવવા માટે વિનંતી કરી છે. આથી કેન્દ્ર સરકાર પણ આ વિકલ્પ અંગે વિચારણા કરી રહી છે. કેટલાક રાજ્યોએ એવા સંકેત આપ્યા છે કે કેટલાક સેગ્મેન્ટમાં લોકડાઉનની શરતોને હળવી કરવામાં આવી શકે છે.
દરમિયાન કોરોનાની સૌથી ગંભીર અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, જ્યાં કોરોના પોઝિટવ કેસોની સંખ્યા ૧,૦૧૮ને પાર થઈ ગઈ છે જ્યારે ૬૪ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યાર પછી તામિલનાડુમાં ૬૯૦ કેસ નોંધાયા છે જ્યારે ૯ લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં ૫૫૦ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જેમાં તબલિગી જમાતના નિઝામુદ્દિન મરકઝના લોકોની સંખ્યા વધુ છે. દિલ્હીમાં કોરોનાનો મૃત્યુઆંક એકંદરે ૯ સુધી મર્યાદિત રહ્યો છે. હમણાં સુધી કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં બીજા ક્રમે રહેનાર કેરળમાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે, જ્યાં કુલ ૩૩૬ કેસ નોંધાયા છે અને માત્ર બે લોકોનાં મોત નીપજ્યાં છે.