Get The App

મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
Attack on BJP MLA Kalu Singh Thakur


(IMAGE - facebook/KaluSinghThakurBJP)

Attack on BJP MLA Kalu Singh Thakur: મધ્યપ્રદેશના ધાર જિલ્લાની ધરમપુરી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કાલુસિંહ ઠાકુર પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્યના પોતાના જ ગામમાં કેટલાક લોકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો, જેમાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ખેતરમાં કામ જોવા ગયા હતા ધારાસભ્ય

મળતી માહિતી મુજબ, ધાર જિલ્લા મથકથી અંદાજે 50 કિલોમીટર દૂર આવેલા સિરસોદિયા ગામમાં ધારાસભ્ય કાલુસિંહ ઠાકુરની જમીન આવેલી છે. તેઓ પોતાના ઘર નજીક ખેતરમાં ચાલી રહેલું કામ જોવા ગયા હતા. તે સમયે અચાનક પડોશમાં રહેતા કેટલાક લોકોએ તેમના પર પથ્થરો વડે હુમલો કરી દીધો હતો. ઘટનાની જાણ થતા જ ધામનોદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્ત ધારાસભ્યને ધામનોદની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

ત્રણ શખ્સો સામે ગુનો દાખલ

ધામનોદ પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર નારાયણ કટારેએ આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જ્યારે ધારાસભ્યની જમીન પર કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન પાડોશીઓએ અચાનક પથ્થરમારો કરી તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે ધારાસભ્યની ફરિયાદને આધારે પોલીસે પ્રિન્સ ઉર્ફે પિન્ટુ, ગેંદાબાઈ અને રંજુ ગિરવાલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે. જોકે, હજુ સુધી આ કેસમાં કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: 12000 ફૂટની ઊંચાઈએ જૈશનું 'બંકર' ઉડાવી દીધું, આતંકીઓ વિરુદ્ધ ભારતીય સૈન્યની મોટી કાર્યવાહી

પહેલા પણ મારા પર ગોળીબાર થયો હતો – ધારાસભ્ય

હુમલા બાદ ધારાસભ્ય કાલુસિંહ ઠાકુરે જણાવ્યું કે, 'હું મારા ખેતર પાસે ઊભો હતો ત્યારે બે-ત્રણ લોકો આવ્યા અને પથ્થરમારો શરૂ કરી દીધો, જેમાં એક-બે મહિલાઓ પણ સામેલ હતી. હું તેમને ચહેરાથી ઓળખી શકું છું પણ નામ નથી જાણતો. મારી કોઈની સાથે અંગત દુશ્મની નથી, છતાં અગાઉ પણ મારા પર ગોળીબારની ઘટના બની ચૂકી છે.'

મધ્ય પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર 2 - image