Get The App

ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઓલા,ઉબર, રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરના બમણા ભાડાં વસૂલવા છૂટ 1 - image

- અત્યાર સુધી દોઢું ભાડું જ વસૂલી શકાતું હતું

- ટેક્સી એગ્રીગેટરે ડ્રાઇવરને પાંચ લાખનો હેલ્થ અને 10 લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ પણ આપવો પડશે

નવી દિલ્હી : સરકારે ટેક્સી એગ્રીગેટરો જેવા કે ઉબેર, ઓલા અને રેપિડોને પીક અવર્સમાં બેઝ ફેરનું બે ગણું વસૂલવાની છૂટ આપી છે. અગાઉ તે દોઢુ જ ભાડું વસૂલી શકતા હતા. જ્યારે નોન-પીક અવર્સમાં આ ભાડું બેઝ ફેરના લઘુત્તમ ૫૦ ટકા હશે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે તેના મોટર વ્હીકલ્સ એગ્રીગેટર ગાઇડલાઇન્સ ૨૦૨૫માં જણાવ્યું હતું કે એગ્રીગેટરોને ડાઇનેમિક પ્રાઇસિંગ હેઠળ આ છૂટ અપાઈ છે. 

આ ઉપરાંત ડેડ માઇલેજના વળતરરૂપે લઘુત્તમ ત્રણ કિ.મી.નું બેઝ ફેર ચાર્જેબલ રહેશે, તેમા પેસેન્જર વગરના ડિસ્ટન્સ ટ્રાવેલ અને પેસેન્જરને લેવા માટે કરવા પડતાં ડિસ્ટન્સ ટ્રાવેલ અને ઉપયોગમાં લેવાતા ઇંધણનો સમાવેશ થાય છે. આ માર્ગદર્શિકાઓ મુજબ રાજ્ય સરકાર દ્વારા જુદી-જુદી સંલગ્ન કેટેગરી કે મોટર વ્હીકલ્સના ક્લાસ માટે નોટિફાઇ કરવામાં આવેલું બેઝ ફેર પેસેન્જર માટે એગ્રીગેટરની ઉપલબ્ધ સર્વિસ માટે ચાર્જેબલ બેઝફેર રહેશે.  રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ત્રણ મહિનાની અંદર સુધારેલી માર્ગદર્શિકા સ્વીકારે. કેન્સલેશનના કિસ્સામાં જોઈએ તો ભાડાના ૧૦ ટકા કે રૂ. ૧૦૦થી વધુ પેનલ્ટી ડ્રાઇવર પર ન લદાવી જોઈએ અને આવું જ પેસેન્જર માટે હોવું જોઈએ. આ માર્ગદર્શિકાઓમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે એગ્રીગેટર તરીકે અરજી કરનારાઓના લાઇસન્સ માટે સિંગલ વિન્ડો ક્લીયરન્સ સિસ્ટમ ઊભી કરવા પોર્ટલ વિકસાવવું જોઈએ. એગ્રીગેટર પાસેથી પાંચ લાખ રૂપિયા લાઇસન્સ ફી લેવી જોઈએ અને લાઇસન્સ જારી કરવામાં આવ્યાના પાંચ વર્ષ સુધી માન્ય રહેવું જોઈએ. 

એગ્રીગેટરે ડ્રાઇવરો માટે પાંચ લાખનો હન્થ ઇન્સ્યોરન્સ અને દસ લાખનો ટર્મ ઇન્સ્યોરન્સ સુનિશ્ચિત કરવી જોઈએ. આ ઉપરાંત એગ્રીગેટરે ફરિયાદ નિવારણ અધિકારી નીમવો જોઈએ. એગ્રીગેટર આઠ વર્ષ કે તેના કરતાં વધુ સમય પહેલા રજિસ્ટર થયેલા વાહનોને ઓન બોર્ડ નહીં લઈ શકે. તેણે તે સુનિશ્ચિત કરવું પડશે કે તેના હાથ પરના બધા વાહનોની આવરદા આઠ વર્ષ કરતાં વધું નવી ન હોય. આ ઉપરાંત વાહનોના કાફલામાં ઇવી ફરજિયાત રાખવા પડશે.