ઓડિશાના CMએ એક દિવસીય રાજકીય શોકની કરી જાહેરાત, ગોવા-મુંબઈ વંદે ભારત ટ્રેન લોન્ચિંગ કાર્યક્રમ રદ્દ
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 280 લોકોના મોત જ્યારે 900થી વધુ લોકો ઘાયલ
ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા છે.
Image Twitter |
તા. 3 જૂન 2023, શનિવાર
ઓડિશાના બાલાસોર જિલ્લાના બહાનાગા રેલવે સ્ટેશન નજીક ગઈકાલ સાંજે પેસેન્જર ટ્રેન કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પીકે જેના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં કુલ 280 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. આ સાથે ટ્રેનમાં હજુ કેટલાક મુસાફરો ફસાયેલા હોવાની આશંકા છે. આ સાથે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી છે.
સમગ્ર રાજ્યમાં 3 જૂનના રોજ કોઈ તહેવાર -ઉત્સવ મનાવવામાં નહી આવે
આ દુર્ઘટના બાદ ઓડિશાના માહિતી અને જનસંપર્ક વિભાગ દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગઈકાલે બાલાસોરના બહાનાગામાં થયેલ દુ:ખદ ટ્રેન દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસનો રાજકીય શોકનો આદેશ આપ્યો છે અને તેથી 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ તહેવાર ઉત્સવ મનાવવામાં નહી આવે. આ સાથે તમને જણાવી દઈએ કે બહાનગા સ્ટેશન પાસે હાવડા એક્સપ્રેસ, કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડીની ટક્કરથી આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે મુસાફરોને લઈ જતી કોરોમંડલ એક્સપ્રેસના 10 થી 12 કોચ પાટા પરથી ખરી પડ્યા હતા.
દુર્ઘટના બાબતે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ અપાયો
PM નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોરની ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની સહાયની આપવાની જાહેરાત કરી હતી.
કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. અકસ્માત બાદ તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપી દીધો છે. આ તેણે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે , "આ અકસ્માત કેવી રીતે થયો તે જાણવા માટે મેં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યો છે. આ દુર્ઘટનાના કારણ સુધી પહોંચવું મહત્વપુર્ણ છે."